અમદાવાદની સગીરા સાથે રાજસ્થાનમાં દુષ્કર્મ: ઠપકાના ડરથી ઘરેથી નીકળેલી સગીરાને 7 દિવસ ગોંધી રાખી શખ્સે દુષ્કર્મ આચર્યું

અમદાવાદના રામોલ વિસ્તારમાંથી ઘરેથી નીકળી ગયેલી 15 વર્ષીય સગીરા સાથે રાજસ્થાનમાં દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. બિકાનેર જિલ્લાના નોખા ગામે 7 દિવસ સુધી ગોંધી રાખી પરિવારની મદદથી શખસે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે સગીરાના પિતાએ રામોલ પોલીસ સ્ટેશનમાં રાકેશ, રેખાબેન, મંજુબેન અને રાકેશની માતા સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
ઠપકાના ડરથી ઘરેથી નીકળી ગઈ હતી સગીરા
બનાવ અંગે મળતી માહિતી પ્રમાણે, રામોલ વિસ્તારમાં રબારી કોલોની પાસે નાસ્તાની લારી ચલાવતા યુવકની 15 વર્ષીય દીકરી ગત 2 નવેમ્બરે ઘરકામ અને અભ્યાસ બાબતે ઠપકો મળવાના ડરથી મોબાઈલ, ચાર્જર અને કપડાં લઈને ઘરેથી નીકળી ગઈ હતી. પરિવારજનોએ શોધખોળ કરવા છતાં તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. સગીરા રિક્ષા મારફતે ન્યૂ કોટન મિલ મેટ્રો સ્ટેશન, ત્યાંથી થલતેજ, ઓલ્ડ હાઈકોર્ટ થઈ સાબરમતી રેલવે સ્ટેશન પહોંચી હતી.
એક વૃદ્ધ મહિલા ફોસલાવી સગીરાને સાથે લઈ ગઈ
સાબરમતી રેલવે સ્ટેશન ખાતે એક અજાણી વ્યક્તિએ જમવા માટે રૂ. 100 આપ્યા બાદ તે ટ્રેનમાં બેસી ગઈ હતી. બીજા દિવસે સવારે ટ્રેન ઊભી રહેતા સગીરા બિકાનેર રેલવે સ્ટેશન પર ઊતરી હતી. અહીં મળેલી એક વૃદ્ધ મહિલાને તેણે પોતાની પરિસ્થિતિ જણાવતા મહિલાએ પોતાની બે પુત્રવધૂઓ રેખા અને મંજુ સાથે સગીરાને નોખા ગામે લઈ જવાનું કહી બીજી ટ્રેનમાં બેસાડી હતી.
7 દિવસ સગીરાને ગોંધી રાખી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું
નોખા ખાતે રેખાબેનના ઘરે લઈ ગયા બાદ સગીરાને બહાર નીકળવા દેવામાં આવતી ન હતી. 3 નવેમ્બરથી 9 નવેમ્બર સુધી સગીરાને ઘરમાં ગોંધી રાખવામાં આવી હતી. આ દરમિયાન રેખાબેન, મંજુબેન અને પરિવારના અન્ય સભ્યોની મદદથી રાકેશ નામના શખસે અલગ-અલગ સમયે અને રૂમમાં સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.
પોલીસે દીકરીને બચાવી બાળ કલ્યાણ સમિતિમાં સોંપી, પિતાને જાણ કરાતા પરત અમદાવાદ લવાઈ
ગત 10 નવેમ્બરે રાત્રે પોલીસને જાણ થતાં સગીરાને નોખા પોલીસ સ્ટેશન લઈ જવાઈ હતી અને ત્યારબાદ બિકાનેરના મહિલા આશ્રમમાં સારવાર અને રહેવાની વ્યવસ્થા કરાઈ હતી. 13 નવેમ્બરે બિકાનેર બાળ કલ્યાણ સમિતિમાંથી સગીરાના પિતાને ફોન આવ્યો હતો કે તેમની દીકરી નોખા પોલીસને મળી આવી છે અને તેને બાળ કલ્યાણ સમિતિમાં રાખવામાં આવી છે. જેથી પિતા 15 નવેમ્બરે બિકાનેર જવા રવાના થયા હતા અને પુત્રીને અમદાવાદ પરત લાવ્યા હતા. સગીરાએ સમગ્ર આપવીતી જણાવતા પિતાએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.













