અમદાવાદમાં 21 નવેમ્બરે મેટ્રો સેવાનો સમય વધારાયો, દિલજીત દોસાંજના કોન્સર્ટને પગલે નિર્ણય

અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 21 નવેમ્બર 2026ના રોજ આયોજિત દિલજીત દોસાંજના લાઇવ મ્યુઝિક કોન્સર્ટમાં આવનારી ભીડને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન(GMRC) દ્વારા અમદાવાદ અને ગાંધીનગર બંને કોરિડોરમાં મેટ્રો ટ્રેન સેવાનો સમય રાત્રે 11:30 કલાક સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો છે. લંબાવેલા સમય દરમિયાન મુસાફરોને પ્રવેશ માત્ર મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી જ આપવામાં આવશે, જ્યાંથી તેઓ બંને કોરિડોરના કોઈપણ ચાલુ સ્ટેશન સુધી મુસાફરી કરી શકશે.
બંને કોરિડોર પર મેટ્રો ટ્રેનનો સમય
21 નવેમ્બરે કોન્સર્ટ પૂર્ણ થયા બાદ પ્રેક્ષકો સરળતાથી ઘરે પરત ફરી શકે તે માટે GMRC દ્વારા નીચે મુજબ સમય લંબાવવામાં આવ્યો છે.
અમદાવાદ કોરિડોર (વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ અને એપીએમસીથી કોટેશ્વર રોડ): નિયમિત સમય સવારે 6:20થી રાત્રે 11:00 વાગ્યા સુધીનો હોય છે, જે લંબાવીને રાત્રે 11:30 વાગ્યા સુધી કરાયો છે. છેલ્લી ટ્રેન રાત્રે 11:30 વાગ્યે મોટેરા સ્ટેડિયમ સ્ટેશનથી અમદાવાદ કોરિડોરના તમામ ચાલુ સ્ટેશનો સુધી દોડશે.
ગાંધીનગર કોરિડોર (મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર): નિયમિત સમય સવારે 6:52થી રાત્રે 9:17 વાગ્યા સુધીનો છે. કોન્સર્ટના દિવસે લંબાવેલા સમયમાં રાત્રે 10:30, 11:00 અને 11:30 કલાકે એમ માત્ર ત્રણ વધારાની ટ્રિપ દોડાવવામાં આવશે.
રાત્રે 11 વાગ્યા પછી સ્માર્ટ કાર્ડ કે QR ટિકિટ નહીં ચાલે
પરત મુસાફરી સરળ બનાવવા GMRC દ્વારા 21 નવેમ્બર માટે સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડવામાં આવી છે, જેના નિયમો નીચે મુજબ રહેશે.
50 રૂપિયા ફ્લેટ દર: સ્પેશિયલ પેપર ટિકિટનો દર પ્રતિ વ્યક્તિ 50 રૂપિયા રહેશે. આ ટિકિટથી મોટેરા અને સાબરમતી સ્ટેશનથી અમદાવાદ તથા ગાંધીનગર કોરિડોરના કોઈપણ ચાલુ સ્ટેશન સુધી જઈ શકાશે.
નિયમિત ટિકિટ રાત્રે 11 સુધી જ માન્ય: કોન્ટેક્ટલેસ સ્માર્ટ ટોકન, સ્માર્ટ કાર્ડ (GMRC ટ્રાવેલ કાર્ડ અને NCMC કાર્ડ), QR ડિજિટલ ટિકિટ કે અગાઉથી ખરીદેલી પરત મુસાફરીની કોઈપણ ટિકિટ રાત્રે 11:00 કલાક સુધી જ માન્ય રહેશે.
11 વાગ્યા પછી સ્પેશિયલ ટિકિટ ફરજિયાત: રાત્રે 11:00 કલાક પછી મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી પ્રવેશ મેળવવા માટે માત્ર 50 રૂપિયાની સ્પેશિયલ પેપર ટિકિટ જ માન્ય ગણાશે.









