દિલજીત દોસાંઝના કોન્સર્ટને પગલે મોટેરા સ્ટેડિયમ આસપાસના રસ્તા બંધ

દિલજીત દોસાંઝના કોન્સર્ટને પગલે મોટેરા સ્ટેડિયમ આસપાસના રસ્તા બંધ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવતીકાલે, ૨૧ નવેમ્બર, ૨૦૨૬ના રોજ જાણીતા પંજાબી ગાયક દિલજીત દોસાંઝના લાઈવ કોન્સર્ટ (RuPay Aura India Tour 2026)નું આયોજન કરવામાં આવ્યું છે. કોન્સર્ટમાં મોટી સંખ્યામાં લોકો ઉમટવાની શક્યતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ અંગે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌતે જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામા મુજબ, આવતીકાલે બપોરે ૩ વાગ્યાથી કોન્સર્ટ પૂર્ણ ન થાય ત્યાં સુધી મોટેરા સ્ટેડિયમ તરફના કેટલાક માર્ગો તમામ પ્રકારનાં વાહનો માટે બંધ રહેશે. ટ્રાફિક જામ અને માર્ગ અકસ્માતો અટકાવવા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કયો માર્ગ રહેશે બંધ?

જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટ થઈ કૃપા રેસિડેન્સી ટી અને ત્યાંથી મોટેરા ગામ ટી સુધીના જતા-આવતા માર્ગ પર વાહનોની અવરજવર સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. આ પ્રતિબંધ તમામ પ્રકારનાં વાહનોને લાગુ પડશે.

જાહેરાત

વાહનચાલકો માટે બે વૈકલ્પિક રૂટ

ટ્રાફિક પ્રતિબંધ દરમિયાન વાહનચાલકો નીચેના વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરી શકશે:

  • રૂટ-૧: તપોવન સર્કલથી ONGC ચાર રસ્તા, વિસત ટી, જનપથ ટી અને પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધરાવળ સર્કલ સુધી અવરજવર કરી શકાશે.

  • રૂટ-૨: કૃપા રેસિડેન્સી ટીથી શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ-કોટેશ્વર રોડ મારફતે એપોલો સર્કલ તરફ જઈ શકાશે.

કોને મળશે પ્રતિબંધમાંથી મુક્તિ?

કોન્સર્ટ સાથે સંકળાયેલા વાહનો, ફરજ પરનાં સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને કટોકટીની પરિસ્થિતિમાં જતાં વાહનોને પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત, પ્રતિબંધિત વિસ્તારમાં રહેતા સ્થાનિક રહીશોને પણ જાહેરનામું લાગુ પડશે નહીં.

નિયમનો ભંગ કરનાર સામે કાર્યવાહી

પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 223 અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 131 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ માટે કોન્સ્ટેબલથી લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધીના કર્મચારીઓને કાર્યવાહી કરવાની સત્તા આપવામાં આવી છે. આથી આવતીકાલે મોટેરા સ્ટેડિયમ આસપાસથી પસાર થનારા વાહનચાલકોએ ટ્રાફિક પ્રતિબંધને ધ્યાનમાં રાખીને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત