અમદાવાદમાં દિલજીત દોસાંઝના કોન્સર્ટ પહેલાં વિવાદ: ચંદીગઢના પ્રોફેસરે પોલીસમાં કરી ફરિયાદ

પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝના અમદાવાદમાં યોજાનારા કોન્સર્ટ પહેલાં વિવાદ સર્જાયો છે. ચંદીગઢના પ્રોફેસર અને સામાજિક કાર્યકર્તા ડૉ. પંડિતરાવ ધરેનવરે અમદાવાદ પોલીસ સમક્ષ લેખિત ફરિયાદ કરીને કોન્સર્ટમાં દારૂ અને ડ્રગ્સને પ્રોત્સાહન આપતાં ગીતો ગાવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. આ ઉપરાંત સ્ટેજ પર બુલેટ બેલ્ટ પહેરવા અને બાળકોને સ્ટેજ પર બોલાવવા સામે પણ વાંધો ઉઠાવ્યો છે.
કોન્સર્ટ માટે ત્રણ મુખ્ય માંગણીઓ
ચંદીગઢની સરકારી પોસ્ટગ્રેજ્યુએટ કોલેજમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે કાર્યરત ડૉ. પંડિતરાવ ધરેનવરે અમદાવાદ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી (DCPU) સમક્ષ રજૂઆત કરી હતી. આ અરજી અમદાવાદ પોલીસ કમિશનરની કચેરી મારફતે મોટેરા પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવી હતી.
તેમણે મુખ્યત્વે ત્રણ માંગણીઓ કરી છે:
-
દારૂ અને ડ્રગ્સનો મહિમા કરતાં ગીતો ગાવા પર પ્રતિબંધ મૂકવામાં આવે.
-
સ્ટેજ પર પ્રોપ્સ તરીકે બુલેટ બેલ્ટ (કારતૂસનો પટ્ટો) પહેરવા પર રોક લગાવવામાં આવે.
-
બાળકોને સ્ટેજ પર બોલાવવા પર નિયંત્રણ રાખવામાં આવે.
ધરેનવરનું કહેવું છે કે કોન્સર્ટમાં ઉપયોગમાં લેવાતી હાઈ-ડેસિબલ સાઉન્ડ સિસ્ટમ અને તીવ્ર લેસર લાઇટિંગ બાળકોના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. તેનાથી તેમની સાંભળવાની ક્ષમતા અને આંખોને નુકસાન થવાની શક્યતા છે.
ધાર્મિક લાગણી દુભાવવાનો પણ આક્ષેપ
પ્રોફેસરે ગીતોના શબ્દો સામે સાંસ્કૃતિક અને ધાર્મિક વાંધો પણ ઉઠાવ્યો છે. તેમના આક્ષેપ મુજબ, પાઘડી પહેરીને નશીલા પદાર્થોનો મહિમા કરતાં ગીતો રજૂ કરવાથી શીખ સમુદાય સહિત સામાન્ય લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી શકે છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેમની આ ઝુંબેશ માત્ર દિલજીત દોસાંઝ પૂરતી મર્યાદિત નથી. અગાઉ તેઓ કરણ ઔજલા અને યો યો હની સિંહ જેવા કલાકારોનાં ગીતો સામે પણ વાંધા ઉઠાવી ચૂક્યા છે. તેમનો હેતુ મનોરંજનના માધ્યમથી નશાખોરીને સામાન્ય ગણાવવાની પ્રવૃત્તિ અટકાવવાનો છે.
ગુજરાત હાઈકોર્ટમાં જવાની ચીમકી
ધરેનવરે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના અગાઉના આદેશોનો હવાલો આપતાં જણાવ્યું હતું કે દારૂ, ડ્રગ્સ અને હિંસાને પ્રોત્સાહન આપતાં ગીતો સામે દરેક રાજ્યમાં સમાન નિયમો લાગુ થવા જોઈએ. અમદાવાદ પોલીસે ગુરુવારે સાંજે તેમની ફરિયાદના આધારે સત્તાવાર નિવેદન નોંધ્યું હતું. જોકે, આ મામલે હજુ સુધી કોઈ FIR નોંધવામાં આવી નથી. ધરેનવરે ચેતવણી આપી છે કે જો કોન્સર્ટ દરમિયાન તેમની રજૂઆતમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓને અવગણીને નિયમોનું ઉલ્લંઘન થશે તો તેઓ ગુજરાત હાઈકોર્ટમાં કાયદાકીય લડત આપશે. હવે કોન્સર્ટના આયોજકો અને પોલીસ આ રજૂઆતના આધારે શું પગલાં લે છે તેના પર સૌની નજર છે.














