Video: વડોદરા મેન કેનાલમાં ભંગાણ, અધિકારીઓની બેદરકારીના આક્ષેપ સાથે પૂર્વ ધારાસભ્યની સ્થળ મુલાકાત

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ-ઉબેર નજીક વડોદરા મેન કેનાલમાં ભંગાણ સર્જાવાના મામલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લાખો ક્યુબિક મીટર પાણી ઉબેર સહિત આસપાસનાં ગામોના ખેતરોમાં ફરી વળ્યું હતું, જેના કારણે ખેતીના પાકને ભારે નુકસાનની ભીતિ ઊભી થઈ છે. ઉબેર ગામના ખેડૂત રમેશભાઈ ફતેસંગ ચૌહાણે અગાઉ કેનાલમાં લીકેજ હોવાની લેખિત જાણ નહેર વિભાગને કરી હોવાનો દાવો કર્યો છે. બે મહિના અગાઉ નહેર વિભાગના ડેપ્યુટી એન્જિનિયરે સ્થળ મુલાકાત લીધી હોવા છતાં સમયસર યોગ્ય કામગીરી ન થઈ હોવાના આક્ષેપો થયા છે. સમગ્ર મામલે જંબુસરના પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણાએ સ્થળની મુલાકાત લઈ નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની માંગ કરી હતી.
જાહેરાત















