દિવાળીમાં ST નિગમની બમ્પર કમાણી; બે દિવસમાં 2.96 લાખ મુસાફરોએ કર્યું ઓનલાઈન બુકિંગ, 7.19 કરોડની રેકોર્ડ આવક

દિવાળી અને ભાઈબીજના તહેવારોમાં વતન ગયેલા મુસાફરો પરત ફરતા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ(GSRTC)ની ઓનલાઈન ટિકિટ બુકિંગ અને આવકમાં મોટો ઉછાળો નોંધાયો છે. નિગમે 11 નવેમ્બરના રોજ બનાવેલો પોતાનો જ રેકોર્ડ માત્ર 24 કલાકમાં તોડીને 12 નવેમ્બરે 1,50,010 બેઠકોના બુકિંગ સાથે 3.64 કરોડ રૂપિયાની આવક નોંધાવી છે. આમ, 11 અને 12 નવેમ્બર એમ બે જ દિવસમાં કુલ 2,96,885 મુસાફરોએ ઓનલાઈન બુકિંગ કરાવતા નિગમને 7.19 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે.
24 કલાકમાં 3,135 વધુ સીટ બુક થઈ
GSRTC દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, 11 નવેમ્બર ભાઈબીજના દિવસે કુલ 1,46,875 બેઠકોનું ઓનલાઈન બુકિંગ થયું હતું, જેનાથી 3.55 કરોડ રૂપિયાની આવક થઈ હતી. તેના બીજા જ દિવસે એટલે કે 12 નવેમ્બરે બુકિંગ વધીને 1,50,010 બેઠકો પર પહોંચ્યું હતું અને આવક 3.64 કરોડ રૂપિયા થઈ હતી. એક જ દિવસમાં અગાઉના રેકોર્ડ કરતાં 3,135 વધુ બેઠકો બુક થઈ હતી અને આવકમાં 9.38 લાખ રૂપિયાથી વધુનો વધારો નોંધાયો હતો.
મોબાઇલ એપથી એક દિવસમાં 1 લાખથી વધુ ટિકિટ બુક
મુસાફરોમાં બારી પર લાઈનમાં ઊભા રહેવાને બદલે મોબાઇલ એપથી ટિકિટ બુક કરાવવાનો ક્રેઝ વધ્યો છે.
11 નવેમ્બર: મોબાઇલ એપ દ્વારા 99,402 બેઠકો બુક થઈ, જેનાથી 2.26 કરોડ રૂપિયાની આવક થઈ.
12 નવેમ્બર: એપ દ્વારા બુકિંગનો આંકડો 1 લાખને પાર કરીને 1,00,283 પર પહોંચ્યો અને આવક 2.30 કરોડ રૂપિયા નોંધાઈ.
દેશભરની ST યુનિટ્સમાં સતત 7મા વર્ષે નંબર-1
ડિજિટલ ટિકિટ બુકિંગ અને આવકના આ આંકડા સાથે ગુજરાત ST નિગમ સતત 7મા વર્ષે દેશભરની તમામ રાજ્ય પરિવહન નિગમો(STU)માં સર્વોચ્ચ બુકિંગ અને આવક ધરાવતું 'નંબર 1' યુનિટ બન્યું છે. પારદર્શક અને સરળ ઓનલાઈન સુવિધાઓને કારણે મુસાફરોનો ડિજિટલ પ્લેટફોર્મ તરફ ઝોક વધ્યો છે.












