મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાટણની પોક્સો કોર્ટે દુષ્કર્મના આરોપીને ફટકારી 20 વર્ષની સજા, પીડિતાને 1 લાખ રૂપિયા ચુકવવા આદેશ

પાટણની સ્પેશ્યલ પોકસો કોર્ટનાં જજ સુનિલ એમ. ટાંકે સોમવારે અપહરણ - દુષ્કર્મનાં એક આરોપી બાકુજી

પાટણની પોક્સો કોર્ટે દુષ્કર્મના આરોપીને ફટકારી 20 વર્ષની સજા, પીડિતાને 1 લાખ રૂપિયા ચુકવવા આદેશ

પાટણની સ્પેશ્યલ પોકસો કોર્ટનાં જજ સુનિલ એમ. ટાંકે સોમવારે અપહરણ - દુષ્કર્મનાં એક આરોપી બાકુજી ભીખાજી ઠાકોરને દોષિત ઠેરવીને ૨૦ વર્ષની સખ્ત કેદ અને રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો હતો. આ સાથે દંડની રકમ રૂપિયા ૧ લાખ દુષ્કર્મ પિડીતા સગીરાને વળતરરૂપે ચુકવવાનો આદેશ કર્યો હતો. સગીરાને ફસાવી દુષ્કર્મ આચરનારાઓને કડક આદેશ આપ્યો હતો.

જુદા જુદા નિયમો હેઠળ સજા ફટકારી

પાટણની સ્પેશ્યલ પોકસો કોર્ટનાં જજે આરોપી બાકુજીને આઇપીસી ૩૬૩માં ત્રણ વર્ષની સખ્ત કેદ અને રૂપિયા ૨૦૦૦નો દંડ, આઇપીસી ૩૬૬ માં પાંચ વર્ષની સખ્ત કેદ અને રૂપિયા ૫૦૦૦નો દંડ તથા પોકસોની કલમ ૩( એ ) -૪ નાં ગુનામાં ૧૦ વર્ષની સખ્ત કેદ અને રૂપિયા ૫૦,૦૦૦નો દંડ અને પોકસોની કલમ ૫ ( એલ ) -૬ અંતર્ગત ૨૦ વર્ષની સખ્ત કેદ અને રૂપિયા ૫૦,૦૦૦નો દંડ અને દંડ ન ભરે તો વધુ દંડની સજા ફટકારી હતી.

ખેડૂત ભાગીયાની દીકરીને ભગાડી ગયો

કેસની ઘટના મુજબ પાટણ તાલુકાનાં એક ગામમાં ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતાં શ્રમિક પરિવારની સગીરા તા. ૨૨-૧- ૨૦૨૧ ના રોજ પોતાના પિતાને માથાનાં દુઃખાવો થતો હોવાથી ગામમાં દવા લેવા ગઈ હતી. આ પછી પુત્રી ઘેર પાછી ન આવતાં તેનાં પરિવારે ભારે શોધખોળ કરી હતી. પરંતુ પુત્રી ન મળતાં અપહરણ થયાની આશંકાએ પાટણનાં હાંસાપુર ગામે રહેતા બાકુજીનાં ઘેર તપાસ કરી તો તે પણ બે ત્રણ દિવસથી ઘેર ન હોવાનું જણાતાં આ અંગે બાલીસણા પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ હાથ ધરીને સગીરા અને આરોપી બાકુજીને તા. ૪-૧-૨૦૨૧નાં રોજ પાટણનાં હાજીપુરની નદીમાંથી પકડ્યા હતા.

આરોપી સગીરાને જુદી જુદી જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચરતો 

પોલીસે કિશોરીની પુછપરછ કરી નિવેદન લેતાં તેણે જણાવ્યું હતું કે, બાકુજી સાથે પરિચય થતાં તેણે લાવી આપેલા ફોન પર બંને વાતો કરતાં હતા ને બંને પાટણમાં ફરવા જતા હતા. બાદમાં બંને જણા ઊંઝા, મહેસાણા, પાલાવાસણા થઇને મહેસાણાનાં આંબલિયાસણ, અમદાવાદનાં એક વિસ્તારમાં એક કિન્નરનાં ઘરમાં રહેતા હતા. જ્યાં આરોપીએ કિશોરી સાથે દુષ્કર્મ કર્યુ હતું. આરોપી સગીરાને જુદી જુદી જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચરતો હતો. 

બાકુજીને 20 વર્ષની સજા ઉપરાંત 1 લાખ રૂપિયાનો દંડ 

પોલીસે આ સમગ્ર ઘટનામાં કિશોરી પર દુષ્કર્મ થયાનું જણાતાં આરોપી સામે પોક્સોની અને દુષ્કર્મની કલમોનો વધારો કર્યો હતો. આ કેસ પાટણની પોક્સો કોર્ટમાં ચાલી જતાં જજ સુનિલ એમ. ટાંકે બંને પક્ષોની રજુઆતો સાંભળી આરોપી બાકુજીને 20 વર્ષની સજા ઉપરાંત 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. 

કોર્ટે જણાવ્યું કે, ભોગ બનનાર સગીર હોવાનું જાણવા છતાં પણ આરોપીએ તેની સાથે દુષ્કર્મ કરેલું છે. જો કે ભોગ બનનાર પણ લાંબા સમય સુધી આરોપી સાથે રહેલી હોવાથી કંઇક અંશે તે પણ જવાબદાર છે. સરકારી વકીલ જનકભાઇ ડી. ઠક્કરે આરોપી પ્રત્યે કુણુ વલણ અખત્યાર ન કરવું જોઇએ અને સમાજમાં સગીર બાળાઓ સાથે દુષ્કૃત્યનાં બનાવો વધતા હોય ત્યાર આરોપીને સખ્ત સજા કરવી જોઇએ તેવી રજુઆત કરી હતી

આ સમાચાર શેર કરો