ગુજરાતમાં કફ સિરપની તપાસનો આદેશ, મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગ પાસે માંગ્યો રિપોર્ટ
રાજસ્થાનમાં કફ સિરપ પીવાથી થયેલા બાળકોના મોતના પડઘા હવે ગુજરાત સુધી પહોંચ્યા છે. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે

રાજસ્થાનમાં કફ સિરપ પીવાથી થયેલા બાળકોના મોતના પડઘા હવે ગુજરાત સુધી પહોંચ્યા છે. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં કફ સિરપના વેચાણ અંગે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. તેમણે આરોગ્ય વિભાગ પાસેથી આ અંગે રિપોર્ટ માંગ્યો છે અને કેન્દ્રની માર્ગદર્શિકા તથા રાજસ્થાનના રિપોર્ટનો અભ્યાસ કરવા સૂચના આપી છે. આ આદેશનો હેતુ ગુજરાતમાં વેચાતા કફ સિરપની ગુણવત્તા અને સલામતી ચકાસવાનો છે.
આરોગ્ય વિભાગને આપ્યા તપાસના આદેશ
કેન્દ્રીય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગના અધિકારીઓને તાત્કાલિક ધોરણે પગલાં લેવા જણાવ્યું છે. તેમણે ખાસ કરીને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અને રાજસ્થાનમાંથી આવેલા રિપોર્ટ્સનો સંપૂર્ણ અભ્યાસ કરવાની સૂચના આપી છે. આ અભ્યાસના આધારે ગુજરાતમાં વેચાતી કફ સિરપની ગુણવત્તા અને તેના વેચાણ પર સઘન તપાસ હાથ ધરવામાં આવશે.
આ મામલે ઋષિકેશ પટેલે સમગ્ર મામલે વિસ્તૃત અને તાત્કાલિક રિપોર્ટ પણ માંગ્યો છે. આ તપાસ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન અને અન્ય સંબંધિત વિભાગો દ્વારા હાથ ધરવામાં આવશે. જેનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે, ગુજરાતના બજારમાં કોઈ નબળી કે ઝેરી ગુણવત્તાની કફ સિરપનું વેચાણ ન થાય અને બાળકોના સ્વાસ્થ્યને જોખમ ન પહોંચે.
મધ્યપ્રદેશમાં કફ સિરપ પીધા બાદ 9 બાળકોના મૃત્યુ
મધ્યપ્રદેશના છિંદવાડામાં કફ સિરપ સંબંધિત એક ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં 9 બાળકોના મૃત્યુ થયા છે. આ ઘટના બાદ મધ્યપ્રદેશ સરકારે 'Coldrif' કફ સિરપ પર રાજ્યવ્યાપી પ્રતિબંધ લગાવી દીધો છે. ઘટનાની જાણ થતા જ છિંદવાડા વહીવટી તંત્રએ અગાઉ જ 'Coldrif' અને 'Nextro-DS' સિરપ પર જિલ્લા-વ્યાપી પ્રતિબંધ મૂકી દીધો હતો.
તપાસનો ધમધમાટ
મધ્યપ્રદેશ સરકારે રાજ્ય સ્તરે એક વિશેષ તપાસ ટીમની રચના કરી કરી છે. આ ટીમ સિરપના વિતરણ, સપ્લાય ચેઇન અને સારવાર કરનાર તબીબોની ભૂમિકાની ઝીણવટભરી તપાસ કરશે. આ તરફ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (NCDC)ની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી છે અને સેમ્પલ તપાસમાં સહયોગ કરી રહી છે.
શું હતી ઘટના?
છિંદવાડાના પરાસિયા વિસ્તારમાં વાયરલ તાવની સારવાર માટે સ્થાનિક ડૉક્ટરની સલાહ મુજબ બાળકોને આ સિરપ આપવામાં આવ્યું હતું, ત્યારબાદ તેમની તબિયત લથડી હતી. અનેક બાળકોને છિંદવાડા અને નાગપુરની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, પરંતુ 9 બાળકોને બચાવી શકાયા નહોતા.
આ બંને ઘટનાઓ બાળકોના સ્વાસ્થ્યની સુરક્ષા અને ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સની ગુણવત્તા નિયંત્રણ પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે, જેના પગલે ગુજરાત સરકાર પણ સાવચેત બની છે. અને તપાસના આદેશ આપ્યા છે.








