રાજ્ય પોલીસ વડાના આદેશની અસર, સુરતમાં સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગ-ગંભીર ગુના આચરનાર 250થી વધુ ઘરમાં તપાસ
એક તરફ ગુનાખોરી વધી રહી છે. ત્યારે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા અસામાજિક તત્વો સામે કડક પ

એક તરફ ગુનાખોરી વધી રહી છે. ત્યારે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવા માટે સ્પષ્ટ સૂચના અપાયા બાદ સુરત પોલીસ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે. શહેરમાં ગુનાખોરીને કાબૂમાં લેવા માટે છેલ્લા બે દિવસમાં વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવી હતી. જેમાં 250થી વધુ શારીરિક શોષણ અને અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અસામાજિક તત્વો, તડીપાર કરાયેલા અને પાસા લાગેલા ઈસમોની તપાસ કરવામાં આવી હતી.
પોલીસની કાર્યવાહી
શહેરના વિવિધ વિસ્તારોમાં સતત અસામાજિક તત્વોની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. અમરોલી, કોસાડ આવાસમાં સફળ કોમ્બિંગ ઓપરેશન બાદ હવે ઉધના વિસ્તારમાં પણ આ અભિયાનને તેજ કરવામાં આવ્યું હતું. ઉધના પોલીસ સ્ટેશન દ્વારા રાત્રિ દરમિયાન અચાનક કોમ્બિંગ હાથ ધરાયું હતું, જેમાં 40થી વધુ પોલીસકર્મીઓ જોડાયા હતા. પોલીસે માત્ર શંકાસ્પદ ઇસમોને જ ચેક કર્યા નહીં, પણ આસામાજિક તત્વો રહેતા ઘરોમાં પણ અચાનક દરોડા પાડ્યા હતા.
વિગતવાર તપાસ કરાઈ
તડીપાર કરાયેલા અને પાસા લાગેલા ઈસમોની વિગતવાર તપાસ કરવામાં આવી હતી, જેથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી શકાય. ડીજીપી વિકાસ સહાયે સ્પષ્ટ રીતે આદેશ આપ્યા છે કે, રાજ્યમાં અસામાજિક તત્વો માટે કોઈ સ્થાન નહીં રહે. આ જ હેતુસર સુરત પોલીસ સતત સક્રિય છે અને આવનારા દિવસોમાં પણ આવી ચુસ્ત કાર્યવાહી ચાલુ રહેશે. જો કોઈ શખ્સ કાયદાનો ભંગ કરવાનો પ્રયાસ કરશે, તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.








