મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કોમ્બિંગના નામે રિલ બનાવી તાયફા કરતા પોલીસકર્મી કોણ? રાજકીય વગ હોવાના કારણે ઉચ્ચ અધિકારીઓને પણ ગાંઠતા નથી!

શહેરમાં રાજકીય વગ ધરાવતા એક પોલીસ ઇન્સ્પેકટર પોતાને કમિશનરથી પણ ઊંચા હોવાનું માનીને મનફાવે તે

કોમ્બિંગના નામે રિલ બનાવી તાયફા કરતા પોલીસકર્મી કોણ? રાજકીય વગ હોવાના કારણે ઉચ્ચ અધિકારીઓને પણ ગાંઠતા નથી!

શહેરમાં રાજકીય વગ ધરાવતા એક પોલીસ ઇન્સ્પેકટર પોતાને કમિશનરથી પણ ઊંચા હોવાનું માનીને મનફાવે તેમ નોકરી કરે છે. લાંબા સમયથી એક જ જગ્યાએ બિરાજેલા ઇન્સ્પેક્ટરને તગડી કમાણી કરીને સમાજના લોકોની સેવા કરવાનું ભૂત ધુણ્યું છે. 

કાળી કમાણીમાંથી કર્યો લાખોનો ખર્ચ!

જી હાં, આ ઇન્સ્પેક્ટર તાજેતરમાં લાંબી રજા પર ઉતરી ગયા હતાં. ઇન્સ્પેક્ટરે તેમના વતનમાં જઈને સમાજના લોકો માટે મોટો પ્રસંગ યોજ્યો હતો. કહેવાય છે કે, આ અધિકારીએ લાખો રૂપિયાનો ખર્ચ તેમની કાળી કમાણીમાંથી કરીને વાહવાહી મેળવી હતી. એટલું જ નહીં અધિકારીને આટલી વાહવાહીથી સંતોષ ન થતા આખરે તેમણે તેમના જ સમાજના ધારાસભ્યને પણ આમંત્રિત કરીને લોકોની આંખ પહોળી કરાવીને તેમની શક્તિનો પરચો બતાવ્યો હતો. 

કોમ્બિંગના નામે રિલ બનાવી ફેમસ થવાના તાયફા!

આ અધિકારીએ આ સામાજિક અને ધાર્મિક કામગીરી કર્યા બાદ નોકરી પર પરત હાજર થઈને નિર્દોષ ભાડુઆતો પર દંડો ઉગામ્યો છે. અધિકારીને અચાનક એવું સુરાતન ચઢ્યું કે તેઓ ટિમો સાથે વિસ્તારમાં કોમ્બિંગ અને ચેકીંગ ના નામે ઉતરી પડ્યા હતાં. ખાનગી વીડિયો ગ્રાફર બોલાવીને વીડિયો ઉતરાવીને જાણે કે સલિબ્રિટી હોય તેમ રિલ બનાવી ફેમસ થવાના તાયફા પણ કર્યા હતાં. 

નિર્દોષ લોકો સામે કાર્યવાહી!

બીજીબાજુ આ અધિકારીએ નિર્દોષ લોકો ભાડે રહેતા હોય તેમની સામે દંડો ઉગામીને અનેક કેસ કર્યા હતા. છેલ્લા ઘણા સમયથી શહેરનું બીજું છારા નગર બનેલા આ વિસ્તારમાં અનેક એજન્સીઓ દારૂ જુગારના કેસ કરી ગઈ હોવા છતાંય, બુટલેગરો પર ધોસ બોલાવવાની જગ્યાએ નિર્દોષ લોકોને દંડનાર આ અધિકારી પોતે કામગીરી કરી હોવાની શેખી મારી રહ્યા છે.

આ પણ વાંચોઃ અમદાવાદના આ પોલીસ સ્ટેશનની PCR ગાડીમાંથી દારૂ મળી આવ્યો, ઈન્ચાર્જ-હોમગાર્ડ સામે ફરિયાદ દાખલ

ઉચ્ચ અધિકારીઓ પણ કંઈ કહેવામાં ડરે છે!

બીજીબાજુ એક એવી પણ ચર્ચા છે કે, આ અધિકારી પર અનેક ધારાસભ્યો અને રાજકારણીઓના ચાર હાથ હોવાથી તેઓ બિન્દાસ્ત મનફાવે તેમ નોકરી કરી રહ્યા છે. વાતો તો એવી પણ થાય છે કે, આ ઇન્સ્પેકટરને તો તેમના ઉચ્ચ અધિકારીઓ પણ કંઈ કહેવામાં ડરે છે. તેમના રાજકીય કનેક્શનના કારણે ઉપરના ત્રણ ઉચ્ચ અધિકારીઓ તેમનું કઈ બગાડી શકતા નથી. ત્યારે બુટલેગરો અને ગુનેગારોને છાવરનાર અધિકારીને કેમ નિર્દોષ ભાડુઆતોને હેરાન કરવાનો રસ જાગ્યો તે એક સવાલ છે.

આ સમાચાર શેર કરો