સુરતના શાસક પક્ષના કોર્પોરેટરોની હૈયા વરાળ, પાલિકાના અધિકારીઓ ફોન રિસીવ ન કરતાં હોવાની રાવ
સુરત મહાનગર પાલિકામાં યોજાયેલી સામાન્ય સભામાં કોર્પોરેટર વ્યથા અનુભવી રહ્યાં છે.

સુરત મહાનગર પાલિકામાં યોજાયેલી સામાન્ય સભામાં કોર્પોરેટર વ્યથા અનુભવી રહ્યાં છે. આ ફરિયાદ વધુ એક કોર્પોરેટર મેયર સમક્ષ ઠાલવી હતી. જેમાં તેમણે કહ્યું કે, પાલિકાના અધિકારી ફોન રિસીવ કરતા નથી. જેથી આચાર સંહિતના પગલે વોર્ડમાં ચાલતા વિકાસના કામોને બ્રેક લાગી ગયા છે. મેયરે આ ફરિયાદને ગંભીરતાથી લઈને આગામી દિવસોમાં તમામ ઝોનમાં સંકલન બેઠકનું આયોજન કરવા અંગેની તજવીજ હાથ ધરી હતી.
અધિકારીઓની મનમાની
લોકસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ સુરત સહિત સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતાનો અમલ થયો છે. જો કે, હવે આચારસંહિતા પૂર્ણ થવાને ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે મુગલીસરા ખાતે યોજાયેલી સામાન્ય સભામાં શાસક પક્ષના કોર્પોરેટરો દ્વારા મેયર સમત્ર અધિકારીઓની મનમાની અંગેની ફરિયાદો ઉઠાવવામાં આવી હતી. કોર્પોરેટરોએ ભારે રોષ સાથે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી ઝોનમાં ફરજ બજાવતાં અધિકારીઓ દ્વારા કોર્પોરેટરના ફોન ઉંચકવાની તસ્દી લેતા નથી.
મનસ્વી વલણ સામે રોષ
પોતાના વિસ્તારની ફરિયાદો માટે કોર્પોરેટર દ્વારા અધિકારીઓને ફોન કરવા છતાં અધિકારીઓના મનસ્વી વલણને કારણે હવે કોર્પોરેટરોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ખાસ કરીને સેન્ટ્રલ ઝોન અને રાંદેર ઝોનના અધિકારીઓ દ્વારા કોર્પોરેટરોને નજર અંદાજ કરવામાં આવી રહ્યા હોવાના ગણગણાટ વચ્ચે મેયર દ્વારા પણ આ ફરિયાદને ગંભીરતાથી લેવામાં આવી હતી. મેયર દ્વારા આચાર સંહિતા બાદ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સાથે બેઠક કરીને વહેલી તકે તમામ ઝોનમાં સંકલન બેઠકનું આયોજન કરવા અંગેની દિશામાં કવાયત હાથ ધરી છે.








