આણંદ : નિસરાયા ગામના વિકાસ માટે NRI ગુજરાતીએ આપ્યું 100 કરોડનું દાન
NRI Gujarati Mahendra Patel donated 100 crores for Nisraya village development | ચરોતરનાં પાટીદારો વિદેશમાં જઈ મહેનત કરી પૈસા કમાયા બાદ વતનને કયારેય ભુલતા નથ

ચરોતરનાં પાટીદારો વિદેશમાં જઈ મહેનત કરી પૈસા કમાયા બાદ વતનને કયારેય ભુલતા નથી અને વતનના ગામના વિકાસ માટે દાનની સરવાણીઓ વહેવડાવતા હોય છે. આણંદ જિલ્લાનાં બોરસદ પાસે આવેલા નિસરાયા ગામના અને અમેરિકામાં સ્થાઈ થયેલા મહેન્દ્રભાઈ પટેલ ઉર્ફે મેકદાદાએ પોતાના વતન નિસરાયા ગામના વિકાસ તેમજ શાળાનાં નિર્માણ બાદ તેનાં સંચાલન માટે 100 કરોડની ફિકસ ડીપોઝીટનું દાન કર્યું છે.
100 કરોડની રકમનું દાન કરનાર પ્રથમ NRI ગુજરાતી
મહેન્દ્રભાઈ પટેલે દાનમાં આપેલી આ 100 કરોડની ફિકસ ડીપોઝીટની રકમમાંથી મળનાર વ્યાજની રકમમાંથી શાળાનું સંચાલન કરી બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવશે. 100 કરોડની રકમનું દાન કરનાર તેઓ કદાચ સૌ પ્રથમ NRI ગુજરાતી છે. આજે તેઓ પોતાનાં વતન ખાતે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું.
65 વર્ષ બાદ પહેલી વાર વતનમાં આવ્યાં
નિસરાયા ગામમાં શિક્ષણની સુવિધા ઉભી કરવા 85 વર્ષીય NRI દાતા મહેન્દ્રભાઈ પટેલ ઉર્ફે મેકદાદા શૈક્ષણિક સંકુલ નિર્માણ કરવા ઉપરાંત રૂ.100 કરોડની એફડી કરશે. જેનાથી સ્કૂલની નિભાવણી થઇ શકે. નિસરાયાના ગ્રામજનોના હિત માટે ઉદારતાથી સખાવત કરનાર ભામાશા મેકદાદા 65 વર્ષ બાદ પહેલી વાર વતનમાં આવતા ગ્રામજનો દ્વારા તેઓનું ભવ્ય સામૈયું કરી સ્વાગત કરી સન્માન કર્યું હતું.
નિસરાયા ગામમાંથી 65 વર્ષ પહેલા અમેરિકા જઈને સ્થાયી થયેલા મહેન્દ્રભાઇ પટેલ ઉર્ફે મેકદાદા વતન નિસરાયાને સુવિધાસભર બનાવવા દાન કરતા આવ્યા છે.
- ગામમાં સાઉન્ડ સિસ્ટમ ઉભી કરી
- ગામના વિશાળ ચોકનું નેતાજી નામકરણ કરીને આકર્ષક અને સુવિધા સજ્જ બનાવ્યો
- સ્વર્ગસ્થ ધર્મ પત્નીના નામકરણ સાથે સાર્વજનિક ધર્મશાળાનું નિર્માણ કર્યું
- RCC રોડ કે બ્લોક વડે નવિનીકરણમાં સિંહફાળો આપ્યો
શૈક્ષણિક સંકુલનું તેમની હાજરીમાં ભૂમિપુજન
શિક્ષણ પ્રત્યે અનેરો લગાવ ધરાવતા દાતાએ આર્થિક મુશ્કેલીના કારણોસર કોઈ શિક્ષણથી વંચિત ન રહે તે માટે મહેન્દ્રભાઇ પટેલે નિસરાયા ગામમાં શૈક્ષણિક સંકુલ નિર્માણ માટે સંકલ્પ કર્યો છે. જેનું તેમની હાજરીમાં ભૂમિપુજન કરવામાં આવ્યું હતું તેમજ શૈક્ષણિક સંસ્થા શરૂ થયા બાદ તેના નિભાવ માટે રૂ.100 કરોડ જેટલી માતબર રકમની ડિપોઝિટ દાન કરી છે. આ શૈક્ષણિક સંકુલ ખાતે જરૂરીયાતમંદ બાળકોને ધોરણ 9થી 12 સુધી વિનામૂલ્યે ભણવાનું જમવાનું રહેવાનું મળી રહેશે.
ગામમાં ધર્મશાળા માટે રૂ.45 લાખનું દાન આપ્યું
સારા નરસા પ્રસંગોમાં ગ્રામજનોને ઉપયોગી બને તે માટે સ્વર્ગસ્થ ધર્મ પત્નીના નામકરણ સાથે સાર્વજનિક ધર્મશાળા નિર્માણ કરવામાં આવી રહી છે. જેના માટે મહેન્દ્રભાઇ પટેલે રૂ.45 લાખનું દાન આપ્યુ હતું. આ ધર્મશાળા તૈયાર થતાં મેકદાદાની હાજરીમાં ખુલ્લી મૂકાશે. તેમણે જમીન કે મિલકતની હદ બાબતે સંભવિત ઝગડાની પરિસ્થિતિના નિવારણ માટે સુલેહ શાંતિ રહે તે માટે યોગ્ય માપ નકશા સાથે દિવાલો માટે પણ દાન આપ્યું છે. જેના કારણે ગામમાં ક્યાંય પણ હદ બાબતે કોઈ સમસ્યા રહી નથી.








