Ahmedabad news: દારૂ સાથે હવે ડ્રગ્સનું સેવન કરનારાઓની પણ ખેર નહિ, 'સલાઈવા કીટ' મદદથી નશાખોરોને ઓળખી શકાશે
હવે પોલીસે નશાખોરોને પડક્વા માટે આધુનિક કીટનો ઉપયોગ કર્યો છે, જેમાં સલાઈવા (લાળ)ન

હવે પોલીસે નશાખોરોને પડક્વા માટે આધુનિક કીટનો ઉપયોગ કર્યો છે, જેમાં સલાઈવા (લાળ)ના નમૂનાથી જ ડ્રગ્સનું સેવન કર્યું છે કે નહીં તે જાણ થઈ જશે, એ પણ માત્ર પાંચ મિનિટમાં. થર્ટી ફર્સ્ટ આવતા નશાકારક પ્રદાર્થોનું સેવન વધી જતું હોય છે જેને રોકવા માટે અમદાવાદ SOGની વિવિધ પોલીસ ટીમો દ્વારા આધુનિક સલાઈવા કીટનો ઉપયોગ શરૂ કર્યો છે.
25 થી 31 ડિસેમ્બર સુધી વિશેષ ડ્રાઈવ
અમદાવાદમાં નવા વર્ષના સ્વાગતમાં નશાનું ગ્રહણ ન લાગે તે માટે અમદાવાદ SOG દ્વારા અત્યારથી જ કમર કસી લેવામાં આવી છે. 31મી ડિસેમ્બરની રાત્રે યુવા ડ્રગ્સ, ચરસ કે ગાંજાના નશામાં રસ્તા પર ન ઉતરે તે માટે SOG એ FSLની મદદથી શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે. આ ખાસ ડ્રાઈવ 25મી ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ છે જે વર્ષના અંત એટલે કે 31 ડિસેમ્બર સુધી ચાલશે.
5 મિનિટમાં નસેડી પકડાઈ જશે
પોલીસ દ્વારા આ વખતે આધુનિક સલાઈવા કીટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ કીટની ખાસિયત છે કે શંકાસ્પદ વ્યક્તિની લાળના નમૂના લીધા બાદ મશીનમાં તપાસતાની સાથે જ માત્ર 5 મિનિટમાં રિપોર્ટ આવી જાય છે. જો કોઈએ પણ ડ્રગ્સનું સેવન કર્યું હશે, તો સ્થળ પર જ રિપોર્ટ પોઝિટિવ આવશે અને પોલીસ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શકશે.
કયા વિસ્તારમાં ટીમોનું સઘન ચેકિંગ?
SOGના PIએ જણાવ્યા અનુસાર, અમદાવાદના પોશ ગણાતા અને જ્યાં યુવાનોની ભીડ વધુ રહે છે તેવા સિંધુ ભવન રોડ, સી.જી. રોડ, વૈષ્ણોદેવી સર્કલ, રામદેવ નગર અને તેની આસપાસના વિસ્તારોમાં પોલીસ કાર્યવાહી કરશે. FSLના કર્મચારીઓ પણ આ કાર્યવાહીમાં પોલીસની સાથે હશે.
પહેલા દારૂ પીનારા પકડાતાં હવે ડ્રગ્સવાળા પણ..
ઉલ્લેખનીય છે કે, અગાઉની ઉજવણીઓમાં લોકો માત્ર દારૂ પીતા પકડાતા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં કેમિકલ ડ્રગ્સ અને અન્ય માદક દ્રવ્યોનું ચલણ વધ્યું છે. આ ગંભીર પરિસ્થિતિને જોતા SOGની 6 ટીમો FSLના નિષ્ણાતો સાથે શહેરના મુખ્ય માર્ગો પર તૈનાત કરવામાં આવી છે.








