'વિસનગર સિવિલમાં ભાજપના સભ્ય બનાવવાની કોઇ કામગીરી થતી નથી', સિવિલ સુપ્રિટેડન્ટનો લુલો બચાવ
વિસનગર સિવિલ હોસ્પિટલમાં હડકવાની રસી માટે આવેલા દર્દીને ભાજપના સભ્ય બનાવવામાં આવતા વિવાદ ઉભો

વિસનગર સિવિલ હોસ્પિટલમાં હડકવાની રસી માટે આવેલા દર્દીને ભાજપના સભ્ય બનાવવામાં આવતા વિવાદ ઉભો થયો છે. આ વિવાદ બાદ સિવિલ સુપ્રિટેડન્ટે લુલો બચાવ કર્યો હતો. સિવિલ સુપ્રિટેડન્ટે કહ્યું કે એક એજન્સીએ આ વ્યક્તિને હોસ્પિટલમાં મુક્યો હતો.
સિવિલ સુપ્રિટેડન્ટનો લુલો બચાવ
વિસનગર સિવિલમાં દર્દીને ભાજપના સભ્ય બનાવવા મામલે સિવિલ સુપ્રિટેડન્ટ ડૉ. પારૂલ પટેલનું નિવેદન સામે આવ્યું છે. સિવિલ સુપ્રિટેડન્ટે કહ્યું કે, ભાજપ સદસ્યતા ઓટીપીનો મામલો મારા ધ્યાનમાં આવ્યો છે. સમગ્ર ઘટના અંગે તપાસ કરતા હંગામી કર્મચારી યશ પટેલે દર્દી પાસે OTP માંગ્યો હતો. નીરવ એન્ટરપ્રાઇઝ નામની એજન્સીએ આ કર્મચારીને મુક્યો હતો. એકાદ માસથી પટાવાળા તરીકે યશ પટેલ સિવિલમાં ફરજ બજાવતો હતો. સિવિલમાં ભાજપ સદસ્યતા બનાવવાની કોઇ કામગીરી ચાલતી નથી. સમગ્ર ઘટનાને લઇને યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે.
શું છે સમગ્ર ઘટના?
દેશભરમાં ચાલતા ભાજપના સદસ્યતા અભિયાન વચ્ચે વિસનગર સિવિલમાં ઇન્જેક્શન લેવા ગયેલા દર્દીને ભાજપનો સભ્ય બનાવવામાં આવતા વિવાદ થયો હતો. વિસનગર સિવિલ હોસ્પિટલમાં દર્દી પાસે મોબાઇલ નંબર માંગી ઓટીપી માંગવામાં આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. દર્દીને જાણ થતાં જ દર્દીએ હોબાળો મચાવ્યો હતો. વિવાદ બાદ સિવિલ કર્મીનો માફી માંગતો વીડિયો પણ સામે આવ્યો છે. વિકુંભા દરબાર નામના દર્દીએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કર્યો હતો.








