સુરતમાં નેપાળી યુવકની ગળુ કાપી હત્યા, મકાન માલિકના પુત્રએ તિક્ષ્ણ હથિયાર માર્યા હોવાનો પરિવારનો આક્ષેપ
સુરતના કતારગામમાંથી 21 વર્ષીય નેપાળી યુવકની હત્યાની ઘટના સામે આવી છે. સુરતના ગોટાલાવાડીમાં મકાન માલિકના પુત્રએ યુવકની હત્યા

સુરતના કતારગામમાંથી 21 વર્ષીય નેપાળી યુવકની હત્યાની ઘટના સામે આવી છે. સુરતના ગોટાલાવાડીમાં મકાન માલિકના પુત્રએ યુવકની હત્યા કરી હોવોનો પરિવારજનોએ આક્ષેપ મૂક્યો છે. નોંધનીય છે કે, હજુ સુધી મોતનું સાચું કારણ સામે આવી શક્યું નથી. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
શું હતી સમગ્ર ઘટના?
સુરતમાં શનિવારે (8 માર્ચ) નેપાળી યુવક સરોજ બહોરાનું ગળુ કાપી હત્યા કરી દેવામાં આવી છે. યુવક છેલ્લાં ત્રણ વર્ષથી સુરતમાં રહીને રત્નકલાકાર તરીકેનું કામ કરતો હતો. મળતી માહિતી મુજબ, યુવક શુક્રવારે રાત્રે પોતાની બેગ લઈને બહાર જતો હતો, ત્યારે તેને કેટલાંક શખસોએ રોક્યો. બાદમાં કોઈ કારણોસર તેમની વચ્ચે બોલાચાલી થઈ અને હુમલાખોરોએ તેનું ગળું કાપી તેની હત્યા કરી નાંખી.
પરિવારે મકાન માલિકના દીકરા પર લગાવ્યો આરોપ
યુવકની હત્યાની વાત પરિવારને થતાં પરિવાર હાલ શોકમાં છે. પરિવારે યુવક જે ઘરમાં ભાડે રહેતો તે મકાન માલિકના દીકરા પર હત્યાનો આરોપ લગાવ્યો છે. પરિવારે આરોપ લગાવ્યો કે, જૂની અદાવતમાં સરોજની હત્યા કરવામાં આવી છે. પરંતુ, હજુ સુધી આ આરોપોની પુષ્ટિ થઈ શકી નથી. સમગ્ર મામલે પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. હજુ સુધી યુવકની હત્યા કોણે અને કેમ કરી તે વિશે કોઈ જ માહિતી સામે આવી નથી. પોલીસે આ મામલે મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે શંકાસ્પદોની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.








