મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરા: 13 ઈંચથી વધુ વરસાદથી લોકોનું જીવન ખોરવાયું, NDRFની ટીમોએ સંખ્યાબંધનું કર્યું રેસ્ક્યું

વડોદરામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. શહેરમાં 13 ઈચથી વધુ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા ભરાયા હતા.

વડોદરા: 13 ઈંચથી વધુ વરસાદથી લોકોનું જીવન ખોરવાયું, NDRFની ટીમોએ સંખ્યાબંધનું કર્યું રેસ્ક્યું

વડોદરામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. શહેરમાં 13 ઈચથી વધુ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા ભરાયા હતા. બીજી તરફ મોડી રાત્રે વિશ્વામિત્રી નદીમાંથી નરહરી હોસ્પિટલ નજીક મગર તણાઈ આવ્યો હતો. જોકે, લોકો દ્વારા આ મગરનું સફળ રેસ્ક્યુ કરીને ફોરેસ્ટ વિભાગને સોંપી દીધો હતો.

વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા

ભારે વરસાદના લીધે શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને ખાસ કરીને સિનિયર સિટીઝન મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. એટલું જ નહિં અનેક દુકાનો તેમજ મકાનમાં પણ પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદને કારણે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી 85 સોસાયટીઓ અને 20 વસાહતમાં ગોઠણસમા પાણી ભરાઈ ગયા હતા.

ગોરવાનું દશામાં તળાવ ફાટ્યું, 300થી વધુ વસાહતીઓ ફસાતા રેસ્ક્યુ 

વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલું દશામાં તળાવ ફાટતાં આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા અને લોકોને ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી. વરસાદને કારણે આજે તળાવ ઓવરફલો થતાં આસપાસના રહેણાક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. ફાયર બ્રિગેડ, સ્થાનિક કાઉન્સિલરની ટીમ તેમજ પોલીસ દ્વારા રેસ્ક્યુની કામગીરી કરાતાં 300થી વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

485 સોસાયટી, 150 વસાહતોમાં ગોઠણસમા વરસાદી પાણી ભરાયા

ભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવતાં શહેરના નીચાણવાળા વિસ્તારો જેવા કે કમાટીપુરા, જલારામ નગર, આકોટા ગામની ઝૂંપડપટ્ટી સહિતના વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. જેના લીધે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને માલ-સામાનનું ભારે નુકસાન થયું છે.  શહેરમાં ભારે વરસાદને કારણે લગભગ તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેનો નિકાલ કરવામાં કોર્પોરેશન નિષ્ફળ નિવડ્યું છે, આજે કોર્પોરેશનના અધિકારીઓ દિવસભર દોડતા રહ્યા પરંતુ વરસાદ સતત ચાલુ રહેવાના કારણે પાણીનો નિકાલ કરવામાં ભારે વિલંબ થયો હતો. ચાર ઝોનમાં 120 વિસ્તારની 485 સોસાયટી અને 150 વસાહતોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. બીજી તરફ વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવતાં શહેરના માર્ગો ઉપર મગર જોવા મળ્યા હતા. 

 50000 જોડાણોનો વીજ પુરવઠો ખોરવાતા લોકોને હાલાકી

વડોદરામાં બુધવારે પડેલા ભારે વરસાદના કારણે  લોકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડયો હતો. આટલું ઓછું હોય તેમ લગભગ 50000 જોડાણો પરનો વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. સુરક્ષાના ભાગરુપે 100 જેટલા ટ્રાન્સફોર્મરોનો વીજ પુરવઠો બંધ કરવો પડ્યો હતો. આ ઉપરાંત શહેરના  દાંડિયાબજાર, વાસણા, પાણીગેટ, માંડવી, ખોડિયાર નગર વિસ્તારના સબ ડિવિઝનના સાત ફીડરો પરનો વીજ પ્રવાહ પણ બંધ કરવામાં આવ્યો હતો. આમ કુલ મળીને 50000 જોડાણોની લાઈટો કલાકો સુધી ગુલ થઈ હતી.

આ સમાચાર શેર કરો