દાહોદ: પત્નીએ પ્રેમીને 50 હજારની સોપારી આપી પતિની કરાવી હત્યા, 6 મહિના બાદ આ રીતે ભાંડો ફૂટ્યો
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના બોરીયાળા ગામે દિવાનીયાવાડ ફળિયાના ખુલ્લા ખેતરોમાં આવેલ કુવામાંથી 6 માસ પહેલાં હિ

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના બોરીયાળા ગામે દિવાનીયાવાડ ફળિયાના ખુલ્લા ખેતરોમાં આવેલ કુવામાંથી 6 માસ પહેલાં હિમતાભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે હવે તપાસમાં ખુલાસો થયો છે કે, પત્નીએ જ પતિને પતાવી દેવા માટે પ્રેમીને રૂ. 50 હજારની સોપારી આપી હતી.
ગત 21મી એપ્રિલ 2024ના રોજ ગરબાડાના બોરીયાળા ગામે દિવાનીયાવાડ ફળિયાના ખુલ્લા ખેતરોમાં આવેલ કુવામાંથી હિમતાભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
આ પણ વાંચો: થાનગઢ ટ્રિપલ મર્ડર કેસ: નાસતા ફરતા મુખ્ય આરોપીઓની પોલીસે કરી ધરપકડ
પીએમ રિપોર્ટમાં મોત કૂવામાં પડ્યાં પહેલા જ થઈ ચુક્યું હોવાનું સામે આવ્યું હતું. જે બાદ દાહોદ એલસીબી પોલીસે ગરબાડા પોલીસને સાથે રાખી અલગ અલગ ટીમો બનાવી ગુનાનો ભેદ ઉકેલી કાઢવા માટે હ્યુમન ઈન્ટેલીજન્સ અને ટેકનિકલ સોર્સના માધ્યમનો ઉપયોગ કર્યા હતો. જેમાં હિમતાભાઈ ગુમ થયા તે વખતે સૌથી છેલ્લે તેમના કુટુંબી સભ્ય રસુલભાઈને મળ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારથી પોલીસને તેની ઉપર શંકા હતી.
મૃતક પતિની પત્નીને આરોપી સાથે પ્રેમસંબંધ હતો
રસુલભાઈને મૃતક પતિની પત્ની સાથે પ્રેમસંબંધ હતો. ત્યાર બાદ પોલીસે આરોપી પ્રેમીની ઘનિષ્ઠ પુછપરછ કરતાં જાણવા મળ્યું કે, મૃતક પોતાની પત્ની સાથે અવાર નવાર ઝઘડો કરતો હતો. પરિણામે પતિને પતાવી નાખવા માટે રૂ. 50 હજારની સોપારી આપી હતી.
બોથડ પદાર્થ વડે માર મારી પતાવી દીધો હતો
આરોપીએ તેના સાગરીતો સાથે મળી બોથડ પદાર્થ વડે માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે બાદ મૃતદેહ અને મોબાઈલને તોડીને કૂવામાં ફેંકી નાસી ગયા હોવાની કબૂલાત કરી હતી. હાલ પોલીસે આરોપી રસુલભાઈ, મૃતકની પત્ની સહિત ચાર લોકોની અટકાયત કરી છે અન્ય એક આરોપી ફરાર છે જેને પકડી પડાવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.








