સુરતમાં માતા-પુત્રએ એક સાથે 12મું કર્યુ પાસ, SSC પછી 22 વર્ષે માતાએ સપનું કર્યું સાકાર
ગુજરાત બોર્ડના ધોરણ 12ના પરિણામમાં અનેક વિદ્યાર્થીઓએ ઝળહળતા પરિણામ મેળવ્યા છે. ત્યારે આ પરિણામમાં ઊડીને આંખે વળ

ગુજરાત બોર્ડના ધોરણ 12ના પરિણામમાં અનેક વિદ્યાર્થીઓએ ઝળહળતા પરિણામ મેળવ્યા છે. ત્યારે આ પરિણામમાં ઊડીને આંખે વળગે તેવી એક માતા-દીકરાની જોડીએ પરીક્ષા પાસ કરી છે. અમરોલી વિસ્તારમાં રહેતા માતા-પુત્રએ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની સંગાથે પરીક્ષા આપી હતી. આજે જાહેર થયેલા પરિણામમાં માતા-પુત્ર બંને ઉત્તીર્ણ થયા છે. માતાને ૫૫ જ્યારે પુત્રને ૭૨ ટકા આવ્યા છે. જેથી એસએસસીની પરીક્ષા બાદ 22 વર્ષે માતાએ 12મું પાસ કરતાં તેનું સપનું સાકાર થયું હતું.
દીકરાની સાથે ફોર્મ ભર્યુ
સુરતની મૌની સ્કૂલમાં કોમર્સના અભ્યાસ કરતા દેવ પટેલ અને એની ૩૫ વર્ષીય માતા દીપિકાબહેને આર્ટસના વિષય સાથે ગત માર્ચ મહિનામાં ધો ૧૨ ની પરીક્ષા આપી હતી. દીપિકાબહેને અભ્યાસ છોડ્યાના ૨૨ વર્ષ પછી પરીક્ષા આપી હતી. એસ એસ સી બાદ દીપિકા બેને મોન્ટેસરી કોર્સ કર્યો હતો અને છેલ્લા ૨૦ વર્ષથી તેઓ શિક્ષિકા તરીકે ખાનગી સ્કૂલમાં બાળકોને ભણાવી રહ્યા છે. પુત્રની ધો -૧૨ ની પરીક્ષાનું ફોર્મ ભરવાનો સમય આવ્યો તો એને પણ ૧૨ની પરીક્ષા દેવાની ઈચ્છા થઈ આવી અને એમણે પણ ફોર્મ ભરી દીધું હતું.
આકરી મહેનત કરી
પરીક્ષા આપવા ખાતર નહીં, પણ પરીક્ષામાં પાસ થવા નોકરી, ઘરકામ અને પરીક્ષા માટે મહેનત પણ શરૂ કરી. પરીક્ષાના અંતિમ દિવસોમાં તો મોડી રાત સુધી વાંચન કરતા. ઘણીવાર વહેલી સવારે ૩ વાગ્યે ઊઠીને પણ વાંચતા. આખરે પરિણામ આવ્યું અને એ ૫૫ ટકા સાથે પાસ થયા. જ્યારે પુત્રને ૭૨ ટકા મળ્યા છે. દીપિકા બહેન કહે છે, આગળ શું કરવું એ વિશે વિચાર્યું નથી. હમણાં માત્ર ધો ૧૨ પાસ કરવાનું સપનું હતું જે પૂર્ણ થયુ છે એનો આનંદ છે. દીપિકાબહેને કહ્યું કે, આ સફળતા માટે શાળાના આચાર્ય શિતલબેન વેજપરાએ ખૂબ મોટિવેટ કરી હતી.








