મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનને રિમાન્ડ માટે મેટ્રો કોર્ટમાં રજૂ કરાયો, મોરીસે પોલીસ પર લગાવ્યાં મારઝૂડના આરોપ

નકલી જજ બનીને ઓર્ડર કરનાર એડવોકેટ મોરીસ સેમ્યુઅલ ક્રિશ

નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનને રિમાન્ડ માટે મેટ્રો કોર્ટમાં રજૂ કરાયો, મોરીસે પોલીસ પર લગાવ્યાં મારઝૂડના આરોપ

નકલી જજ બનીને ઓર્ડર કરનાર એડવોકેટ  મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનની ગઈકાલે કારંજ પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે આજે તેને અમદાવાદ મેટ્રો કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.  આ કોર્ટ કાર્યવાહી દરમિયાન કોર્ટે આરોપીને પૂછ્યું હતું કે પોલીસ અંગે કોઈ ફરિયાદ છે? ત્યારે આરોપીએ કોર્ટ સમક્ષ પોલીસ દ્વારા પોતાની સાથે મારઝૂડ કરવાના આરોપ લગાવ્યાં હતા. 

પોલીસે પોલીસ સ્ટેશનમાં મારઝૂડ કરી, નંબરના ચશ્મા તોડી નાખ્યાં - આરોપી

કોર્ટમાં આરોપી મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને કહ્યું, “ગઈકાલે રાતે 8 વાગે પોલીસે મારી ધરપકડ કરી પોલીસની બે ગાડીમાં બેસાડી ગાંધીનગરમાં સેક્ટર-24માં કોલવડા રોડ પર આવેલા જીગર અમી કોમ્પ્લેક્સ ખાતે તપાસ માટે લઇ જવામાં આવ્યો હતો.

તપાસ અધિકારી કારંજ પોલીસ સ્ટેશનના PI ચૌધરીએ મને લાફો મારી બળજબરી કરી આ ગુનો કબૂલ કરવા કહ્યું હતું. તેમણે મને લાફો મારતા મારા નંબરના ચશ્મા તૂટી ગયા હતા. ત્યારબાદ કારંજ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફે મને પાંસળીના ભાગે લાતો મારી, જાંઘ ઉપર પટ્ટા વડે  મારી ગુન્હો કબુલ કરવા કહ્યું હતું.

આજે સવારે પોલીસ મને પ્રાથમિક સારવાર માટે વી.એસ. હોસ્પિટલ લઇ ગઈ ત્યારે મેં ડોક્ટરને મારી સાથે બનેલી આ હિંસક ઘટનાની વાત કરી હતી. ત્યારે તેમણે મને  આ બાબતે નામદાર કોર્ટ સમક્ષ હાજર થઈ હુકમ લાવવા કહ્યું હતું. જેથી મારી યોગ્ય સારવાર કરવામાં આવી નથી. 

જેથી મારી નમ્ર અરજ છે કે મારી આ ફરિયાદને  ગંભીરતાપૂર્વક ધ્યાને લઇને મારી યોગ્ય સારવાર કરવામાં આવે. હું તપાસમાં સહકાર આપવા તૈયાર છું.”

આરોપી મોરિસે કોર્ટ સમક્ષ પોલીસે પોતાની સાથે મારઝૂડ કર્યાની ફરિયાદ કરતા ઈજાની તપાસ માટે તેને કોર્ટની પર્સનલ ચેમ્બરમાં લઇ જવામાં આવ્યો હતો. 

આરોપીને કાલે રિમાન્ડ માટે રજૂ કરાશે 

આરોપી મોરિસે કોર્ટ સમક્ષ પોલીસે પોતાની સાથે મારઝૂડ કર્યાની ફરિયાદ કરતા કોર્ટે મેડિકલ તપાસની મંજૂરી આપી છે. આરોપીને હાલ સાબરમતી સેન્ટ્રલ જેલ લઇ જવાયો છે. આવતીકાલે સવાટે તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે અને ત્યારબાદ બપોરના સમય પછી રિમાન્ડ માટે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 

આ સમાચાર શેર કરો