ગુજરાતમાં આ વર્ષે 1.62 લાખથી વધુ લોકો માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત, દર કલાકે 19 લોકો ઘાયલ થયા
2024ના વર્ષની વિદાયનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. આ વર્ષે માર્ગ અકસ્માતના પ્રમાણમાં ચિંતાનજક વધારો

2024ના વર્ષની વિદાયનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. આ વર્ષે માર્ગ અકસ્માતના પ્રમાણમાં ચિંતાનજક વધારો જોવા મળ્યો હતો. ગુજરાતમાં આ વર્ષે 1.62 લાખથી વધુ વ્યક્તિને માર્ગ અકસ્માત બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જેની સરખામણીએ ગત વર્ષે ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં 1.55 લાખથી વધુ ઇજાગ્રસ્તો હતા. આમ, ગત વર્ષની સરખામણીએ માર્ગ અકસ્માતથી થતી ઇજાના પ્રમાણમાં 5.10 ટકાનો વધારો થયો છે.
ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં ચિંતાજનક વધારો
ગુજરાતમાં જાન્યુઆરીથી જૂન એમ 6 મહિનામાં 81305 વ્યક્તિને માર્ગ અકસ્માતમાં ઇજા થઇ હતી. આ પછીના 6 મહિના એટલે કે જુલાઇથી ડિસેમ્બરમાં 81549 વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઘવાઇ છે. ગત વર્ષે જાન્યુઆરીથી જૂન દરમિયાન 81192 વ્યક્તિને માર્ગ અકસ્માતમાં ઇજા થયેલી હતી. આમ, આ વર્ષે માર્ગ અકસ્માતમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે.
અમદાવાદમાં સૌથી વધુ અકસ્માતની ઘટના
ઇમરજન્સી સેવા 108 પાસેથી મળેલી માહિતી અનુસાર ગુજરાતમાંથી આ વખતે માર્ગ અકસ્માતમાં સૌથી વધુ ઇજાગ્રસ્તોને સારવાર લેવી પડી હોય તેવા જિલ્લામાં અમદાવાદ મોખરે છે. અમદાવાદમાં આ વર્ષે 267515 વ્યક્તિને માર્ગ અકસ્માતમાં ઇજા થયેલી છે. અમદાવાદમાં પ્રતિ દિવસે સરેરાશ 76 વ્યક્તિને માર્ગ અકસ્માત બાદ હોસ્પિટલમાં દાખલ કરવી પડી છે.ગુજરાતમાં આ વર્ષે માર્ગ અકસ્માતમાં થયેલા કૂલ ઇજાગ્રસ્તોમાં 15 ટકાથી વધુ માત્ર અમદાવાદ જિલ્લાની છે.
આ પણ વાંચો: VIDEO/ દક્ષિણ કોરિયામાં મોટી દુર્ઘટના, લેન્ડિંગ દરમિયાન પ્લેન રનવે પરથી લપસી ગયું, 62 મુસાફરોના મોત
માર્ગ અકસ્માતમાં સૌથી વધુ વ્યક્તિને ઇજા થઇ હોય તેમાં સુરત બીજા, વડોદરા ત્રીજા, રાજકોટ ચોથા અને ગાંધીનગર પાંચમા સ્થાને છે. જે જિલ્લામાં ગત વર્ષ કરતાં માર્ગ અકસ્માતમાં ઇજાનું પ્રમાણ વધ્યું હોય તેમાં ગીર સોમનાથ 14.93 ટકા સાથે મોખરે છે. ગીર સોમનાથમાં 2023માં 1828 જ્યારે આ વર્ષે 2101 વ્યક્તિને માર્ગ અકસ્માતમાં ઇજા થઇ છે.








