મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભરશિયાળે ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ: કચ્છ અને મહેસાણામાં કમોસમી વરસાદ ખાબક્યો, અગમચેતીના ભાગરૂપે પગલાં લેવા ખેડૂતોને અપીલ

ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા

ભરશિયાળે ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ: કચ્છ અને મહેસાણામાં કમોસમી વરસાદ ખાબક્યો, અગમચેતીના ભાગરૂપે પગલાં લેવા ખેડૂતોને અપીલ

ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે. જેને લઈને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભરશિયાળે માવઠું પડી શકે છે. હવામાન વિભાગે કચ્છ સહિત ત્રણ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ઠંડીનું પણ જોર વધતું જોવા મળશે.

3 જિલ્લામાં યલો ઍલર્ટ

હવામાન વિભાગ મુજબ, કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ આજે ગુરુવારે(22 જાન્યુઆરી) યલો ઍલર્ટને પગલે કમોસમી વરસાદ થવાની સંભાવના છે. વીજળીના કડાકા સાથે વરસાદ થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચન કર્યું છે.

કચ્છમાં કમોસમી વરસાદ

હવામાન વિભાગની આગાહીને પગલે આજે ગુરુવારે કચ્છના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેમાં નારાયણ સરોવર, વર્માનગર, ગુહર સહિતના વિસ્તારોમાં માવઠું થયું છે. આમ, પાકિસ્તાન ઉપર સર્જાયેલા કોલ્ડ ફ્રન્ટ કચ્છ તરફ આવતા વરસાદી માહોલ છવાયો છે. કમોસમી વરસાદના કારણે ઠંડીએ જોર પડ્યું છે. 

ઠંડીનું જોર વધશે

IMD અનુસાર, આગામી બે દિવસ રાજ્યમાં ઠંડીનું જોર વધતું જોવા મળશે. રાજ્યમાં 2-3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થવાથી ઠંડી વધશે. આજે(22 જાન્યુઆરી) અમદાવાદમાં 16.8 ડિગ્રી, ભુજમાં 15.4 ડિગ્રી, નલિયામાં 10.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું. 

મહેસાણામાં માવઠું

બનાસકાંઠા, પાટણ સહિતના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગે આજે આગાહી કરી હતી. જેમાં મહેસાણા શહેરમાં આજે સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. શહેરની કેટલીક જગ્યાએ અચાનક કમોસમી વરસાદ વરસ્યો. 

માવઠાંની આગાહીને પગલે અગમચેતીના પગલાં લેવા ખેડૂતોને અપીલ

સૌરાષ્ટ્રના જિલ્લાઓ સહિત કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવા કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહીને લઈને ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા ખેડૂતોને પાક સંરક્ષણ માટે અગમચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. કમોસમી વરસાદને કારણે ઉભા પાક અને લણણી કરેલા પાકને નુકસાન થવાની ભીતિ રહેલી છે, ત્યારે ખેડૂતોએ પાકની કાપણી કરી લીધી હોય અને પાક ખેતરમાં ખુલ્લો પડ્યો હોય તેવા ખેડૂતોએ ત્વરિત ધોરણે પોતાના ખેત ઉત્પાદિત પાકને સલામત સ્થળે ખસેડવા. જો પાક ખસેડવો શક્ય ન હોય, તો તેને પ્લાસ્ટિક અથવા તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવો. વધુમાં વાદળછાયા અને વરસાદી વાતાવરણ દરમિયાન જંતુનાશક દવાઓનો છંટકાવ તેમજ ખાતરનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.

ખેતીની પેદાશો ઉપરાંત, ખેડૂતોએ વાવેતર માટે રાખેલા બિયારણ અને ખાતરનો જથ્થો પણ પલળે નહીં તે રીતે સુરક્ષિત રાખવા સૂચના આપવામાં આવી છે. એ.પી.એમ.સી. ખાતે માલ લઈને આવતા ખેડૂતો અને વેપારીઓને પણ આગોતરી સાવચેતી રાખવા વિનંતી કરાઈ છે. જેમાં ખેતપેદાશોને બજાર સમિતિના શેડ નીચે રાખવી અથવા તાડપત્રીથી ઢાંકીને સુરક્ષિત કરવી. વધુ વિગતવાર માહિતી કે માર્ગદર્શન માટે કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર 1800-180-1551 પર પણ સંપર્ક કરી શકાશે.

આ સમાચાર શેર કરો