સુરતમાં મોર્ડન મમ્મી અને નાસ્તામાં ફૂડ પેકેટ્સની આડઅસર અંગે સેમિનારમા અપાઈ સમજ
સુરતમાં સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા સામાજિક જાગૃતિના ભાગ રૂપે “મોર્ડન મમ

સુરતમાં સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા સામાજિક જાગૃતિના ભાગ રૂપે “મોર્ડન મમ્મી અને નાસ્તામાં ફૂડ પેકેટ્સ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ડો. શ્રુતિબેન પટેલ દ્વારા બાળકોને નાસ્તામાં ફૂડ પેકેટ્સ શા માટે ના આપવા જોઈએ તે અંગે વિગતે રજૂઆત કરી હતી.
ખોરાકની આહાર વિહાર પર અસર
વર્તમાન સમયમાં શાળાએ જતાં બાળકોને માતાઓ દ્વારા આળસ કે અન્ય કારણોસર નાસ્તામાં પોષણક્ષમ આહારના બદલે બજારમાં મળતા તૈયાર ફૂડ પેકેટ્સ તોડીને બોક્સમાં ભરી આપે છે. જેની અસરો કુમળી વયના આપણાં ફૂલ જેવા બાળકો પર જોવા મળે છે. જે અંગે સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ, સુરત દ્વારા સંચાલિત શ્રીમતી એમ.એમ. ખેની ભવન, કતારગામમાં એક જાહેર જનજાગૃતિ કાર્યક્રમ “મોર્ડન મમ્મી અને નાસ્તામાં ફૂડ પેકેટ્સ” રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ડો. ભગીરથસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેમણે આપણાં આહાર-વિહારની અસરને શિક્ષણ અને રોજિંદા જીવન સાથે સાંકળી હતી.
વાલીઓેએ લીધા શપથ
કાર્યક્રમના મુખ્ય વક્તા ડો. શ્રુતિબેન પટેલે ફૂડ પેકેટ્સ અને જંક ફૂડમાં આવતા વિવિધ નુકસાનકારક કેમિકલ્સ, એસેન્સ, કલર, ફ્લેવર્સ અને આર્ટિફિશિયલ સ્વીટનર્સ વિષે વિગતે વાત કરી હતી. આ ઉપરાંત નાસ્તામાં ફૂડ પેકેટ્સના બદલે પરંપરાગત પોષણક્ષમ નાસ્તાની વાત કરી હતી. કાર્યક્રમમાં વરાછા અને કતારગામ સહિત સમગ્ર સુરતમાંથી 1200 થી વધુ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને હાજર માતાઓએ બાળકોને નાસ્તામાં ફૂડ પેકેટ્સ નહીં આપવાની પ્રતિજ્ઞા લીધી હતી.








