સુરતમાં કાર ચાલકે દિવ્યાંગને ઉડાવતા ભેગું થયું ટોળું, બચાવવા આવેલા મિત્રની કારમાંથી મળ્યો દારૂ
સુરતમાં હીટ એન્ડ રનમાં કોન્સ્ટેબલ સહિત એક જ દિવસમાં ચારના મોત થયાં હતાં. ત્યારે પાલ

સુરતમાં હીટ એન્ડ રનમાં કોન્સ્ટેબલ સહિત એક જ દિવસમાં ચારના મોત થયાં હતાં. ત્યારે પાલ વિસ્તારમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે બેફામ રીતે ચલાવીને દિવ્યાંગને અડફેટે લેતા તેને ઈજા થઈ હતી. અકસ્માતના પગલે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. બાદમાં અકસ્માત સર્જનારને બચાવવા માટે તેનો મિત્ર દોડી આવ્યો હતો. જો કે તેની કારમાંથી પણ દારૂની બોટલ મળી આવી હતી.
દિવ્યાંગને પહોંચી ઈજા
પાલમાં રાજહંસ સિનેમાની બહાર રોડ પર ગંભીર અકસ્માત થતાં ભારે હોબાળો મચી ગયો હતો. કાર ચાલકે બેફામ કાર હંકારી આગળ જતી હેન્ડીકેપ મોપેડને ઉડાવી દીધી હતી. ચાલકે ઓવરસ્પીડમાં કાર હંકારી અકસ્માત કર્યો હતો. જેમાં મોપેડ પર સવાર સંદીપભાઈ કચ્છી મોપેડ પરથી રોડ પર પટકાયા હતા. તેમને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સંદીપભાઈ પગથી 75 ટકા વિકલાંગ છે. હાલ તેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
લોકોનો દેખાયો આક્રોશ
અકસ્માતની આ ઘટનાને પગલે લોકના ટોળા ઉમટી પડ્યા હતા. કાર ચાલક દારૂના નશામાં હોવાની આશંકાના પગલે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. વધુમાં અકસ્માત કરનાર કાર ચાલકની મદદે બે મિત્રો કારમાં આવ્યા હતા. જેઓને પણ સ્થાનિક લોકોએ ધક્કે ચઢાવતાં ભારે હોબાળો મચી ગયો હતો. દરમિયાન બચાવવા આવનાર મિત્રની કારમાંથી એક નાની થમ્સ અપની બોટલમાં દારૂ હોવાનું પણ સામે આવ્યું હતું. તે પણ દારૂના નશામાં હતો. આવો બાળા દરમિયાન કારચાલક અને ભગાવી દેવામાં આવ્યો હતો.અકસ્માત બાદ હોબાળાના બનાવની જાણ થતાં જ અડાજણ પોલીસે સ્થળ પર પહોંચી જઈ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.








