ગુજરાતમાં ભાજપના જ ધારાસભ્યે સરકાર સામે બાંયો ચડાવી, મુખ્યમંત્રીને આપી ચીમકી
ભાજપના રાજમાં ભાજપના જ ધારાસભ્યે પોતાના વિસ્તારમાં કામ ન થતા હોવાથી નારાજગી વ્યક્ત

ભાજપના રાજમાં ભાજપના જ ધારાસભ્યે પોતાના વિસ્તારમાં કામ ન થતા હોવાથી નારાજગી વ્યક્ત કરી પોતાની જ સરકાર સામે ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ભાજપના જ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે વિરમગામ શહેરમાં ઉભરાતી ગટર તેમજ ઘરમાં આવતા ગંદા પાણીનું કાયમી નિરાકરણ કરવા અપીલ કરતો પત્ર લખ્યો છે. હાર્દિક પટેલે ચિંતા, આક્રોશ અને વિનંતી સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
હાર્દિક પટેલે વિરમગામમાં ઉભરાતી ગટરો ઘરમાં ગંદા પાણીને લઇને યોગ્ય નિરાકરણ નહીં આવે તો ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી આપી છે. હાર્દિક પટેલે મુખ્યમંત્રીને કહ્યું કે, જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો મારે પ્રજાની તકલીફ સાથે એક જનપ્રતિનિધિ તરીકે ખુલીને સરકાર સામે વિરોધમાં ઉતરવું પડશે. લોકોની પડખે ઉભા રહીને જરૂર પડે ઉપવાસ આંદોલનમાં પણ જોડાઈશ.
હાર્દિકે લખેલા પત્રના અંશો
પ્રજાના આશીર્વાદથી ગુજરાતમાં સૌથી નાની ઉંમરના ધારાસભ્ય તરીકે ચૂંટાઈને વિરમગામ વિધાનસભાના લોકોની સેવા કરવાનો મને અવસર મળ્યો છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તેમજ આપના નેતૃત્વમાં મારી વિરમગામ વિધાનસભામાં હજારો કરોડના કામો મંજુર થયા છે અને લગભગ કામો પ્રગતિ હેઠળ છે. વિરમગામ શહેરમાં પણ બગીચા, લાયબ્રેરી, ટાવર, તળાવનું બ્યુટીફીકેશન સહીત અનેક વિકાસના કામોની શહેરના લોકોને ભેટ મળી છે.
સ્વચ્છતા બાબતે લોકોની ખુબ ફરિયાદો
વિરમગામ શહેરના વિકાસ માટે લોકોએ સ્વયંભુ દબાણ હટાવવામાં પણ સાથ આપ્યો છે. પરંતુ વિરમગામ શહેરના લોકોની મારી પાસે મહત્વની એક અપેક્ષા હતી કે વિરમગામ શહેરના ગટરના પાણી ઉભરાવવાની જે સમસ્યા છે તેનું કાયમી નિરાકરણ આવે પરંતુ કોઈક કારણસર આ નિરાકરણ નથી આવી રહ્યું. વિરમગામ શહેરમાં છેલ્લા કેટલાય વર્ષોથી ઉભરાતી ગટરના કારણે ઐતિહાસિક વિરમગામ શરમ અનુભવી રહ્યું છે. વિરમગામ શહેરના અનેક વિસ્તારોમાં ગટર ઉભરાવી, આવતા પાણી સાથે ગંદુ પાણી મિક્સ થવું અને સ્વચ્છતા બાબતે લોકોની ખુબ ફરિયાદો છે.
મારે આ બાબતે મજબૂતાઈથી ઉભું રહેવું પડશે
વિરમગામ શહેરના લોકો સાથે મારે આ બાબતે મજબૂતાઈથી ઉભું રહેવું પડશે. લોકોને મારી પાસે આ બાબતે ખુબ અપેક્ષા છે. હું માનું છું કે વિરમગામ નગરપાલિકા પાસે કર્મચારીઓનો અભાવ છે પરંતુ પ્રજાની સમસ્યાનું યોગ્ય નિરાકરણ નગરપાલિકાએ કરવું જોઈએ એ નથી થઇ રહ્યું. જે વિસ્તારમાં દબાણ હટાવવામાં આવ્યું છે ત્યાં વિકાસના કામ પણ મંજુર થઇ ગયા છે, ટેન્ડર પણ અપાઈ ગયું છે. છતાંય કોન્ટ્રકટરો દ્વારા કામ કરવામાં નથી આવી રહ્યું. આપ સાહેબ દ્વારા જે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ તેમજ ૧૧ કેવી અંડર ગ્રાઉન્ડ લાઈનના કામનું ભૂમિ પૂજન કર્યું હતું આજે તેના સાત મહિના થયા પણ કામ ૧% પણ થયું નથી.
જે કામો મંજુર થયા છે તે કામો ઝડપથી પુરા કરવામાં આવે તેવી વિનંતી
વિરમગામ શહેરના જે વિસ્તારોમાં ગટર ઉભરાય છે, ગંદુ પાણી મિક્સ થાય છે તેનું જલ્દી યોગ્ય નિરાકરણ લાવવામાં આવે અને જે કામો મંજુર થયા છે તે કામો ઝડપથી પુરા કરવામાં આવે તેવી વિનંતી છે. વિનમ્રતા સાથે જણાવવાનું કે મારે પ્રજાની તકલીફ સાથે એક જનપ્રતિનિધિ તરીકે ખુલીને ઉભું રહેવું પડશે, જરૂર પડે તેમની સાથે ઉપવાસ આંદોલનમાં પણ જોડાવું પડશે અને લોકોનો જે ભરોસો છે તે કાયમ કરવો પડશે. આશા રાખું છું કે મારી અને વિરમગામ શહેરના લોકોની જે ચિંતા અને તકલીફ છે તે સમજશો અને ઝડપથી વિશેષ આયોજન સાથે ટીમ મોકલીને કાયમી નિરાકરણ કરી આપશો.








