Vadodara news: શ્રી ગણપતિ મંદિર ટ્રસ્ટની જમીન પર લઘુમતી પરિવારે પોતાના નામ ચઢાવ્યા, કલેકટરે નામ કમી કરી લીધો કબ્જો
વડોદરાના વાડી વિસ્તારમાં આવેલી કરોડોની જમીન પચા

વડોદરાના વાડી વિસ્તારમાં આવેલી કરોડોની જમીન પચાવી પાડવાનો મામલો સામે આવ્યો છે. ધાર્મિક ટ્રસ્ટની જમીન પર લઘુમતી પરિવારના નામ ચઢી જતા તંત્રએ નામો કમી કર્યા છે. કલેકટરે સુઓમોટો દાખલ કરી વાડીની 3800 ચો.મી. જમીનમા શ્રી ગણપતિ મંદિર ટ્રસ્ટનુ નામ દાખલ કરી કબજો લીધો હતો.
શહેરના વાડી શાસ્ત્રીબાગ પાસે આવેલી 3800 ચોરસ મીટર જમીનમાં સરકારે સુઓમોટો દાખલ કરી શ્રી ગણપતિ મંદિર ટ્રસ્ટનું નામ દાખલ કરવા હુકમ કર્યો હતો. જે હુકમના આધારે આજે પૂર્વ મામલતદારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જમીનનો કબજો લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. નોંધનીય છે કે, આ જમીનમાં લઘુમતી પરિવારના 7 સભ્યોએ પોતાની જમીન હોવાનું અનુમાન લગાવી સિટી સર્વેમા નામો દાખલ કરાવી દીધા હતા.
આયશાબીબીના 7 વારસદારોએ જમીન પર કબજો કર્યો હતો
આ જમીન અંગેની સમગ્ર વિગત એવી છે કે, વાડી શાસ્ત્રી બાગ પાસે સર્વે નંબર 1424/2 અને 1424/1 વાળી સોનાની લગડી જેવી 3800 ચોરસ મીટર જમીન આવેલી છે. કરોડો રૂપિયાની કિંમતની આ જમીન વર્ષો પૂર્વે શ્રી ગણપતિ મંદિર ટ્રસ્ટના નામે હતી. સમયાંતરે આ જમીનમાં આયશાબીબીના 7 વારસદારોએ આ જમીન સર્વે નંબર 68 વાળી છે. અને પોતાની માલિકીનુ હોવાનું અનુમાન લગાવી સીટી સર્વેમાં નામો દાખલ કરાવી દીધા હતા અને આ જમીનનો કબજો લીધો હતો. દરમિયાન આ જમીન શ્રી ગણપતિ મંદિર ટ્રસ્ટની હોવાની જાણ ભાજપાના પૂર્વ કાઉન્સિલર વિજય પવારને થતા તેઓએ વિગતો મેળવી હતી અને આ અંગેની જાણ વિધાન સભાના દંડક અને રાવપુરા વિધાન સભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લાને કરી હતી. તે બાદ ધારાસભ્યએ જમીનની હકીકતથી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને વાકેફ કર્યા હતા.
ગૃહમંત્રીએ જિલ્લા કલેકટરને કરી હતી કાર્યવાહી કરવા સૂચના
મામલાની ગંભીરતા ને જોતા ગૃહમંત્રીએ વડોદરા જિલ્લા કલેકટરને આ કેસની તપાસ કરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જિલ્લા કલેકટરે શાસ્ત્રી બાગ પાસેની જમીનની તપાસ કરાવ્યા બાદ આ જમીન શ્રી ગણપતિ મંદિર ટ્રસ્ટની હોવાનું જણાઇ આવતા કલેકટર સુઓમોટો લઈ આ જમીનમાંથી આયશાબીબીના વારસદારોએ દાખલ કરેલા નામો કમી કરીને શ્રી ગણપતિ મંદિર ટ્રસ્ટના નામો દાખલ કરવા હુકમ કર્યો હતો. જિલ્લા કલેકટર ડો. અનિલ ધામેલીયાના હુકમ બાદ \મામલતદાર અલ્પેશ જોશી આજે પોલીસ બંદોબસ્ત સાથે રેવન્યુ સર્વે નંબર 1424 /2 અને 1424 / 1 વાળી 3800 ચોરસ મીટર જમીનનો કબજો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી સમયે વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લા, ભાજપાના પૂર્વ કાઉન્સિલર વિજય પવાર સહિત સ્થાનિક લોકો હાજર રહ્યા હતા.
મૂળ ગણપતિ મંદિરની જમીન સરકાર હસ્તક લેવા માટે પ્રયત્ન કરનાર ભાજપના પૂર્વ કાઉન્સિલર વિજય પવારે જણાવ્યું હતું કે 1970 માં આ જમીન ગણપતિ મંદિર ટ્રસ્ટની હોવાની જાણ થતા ધારાસભ્ય બાલકૃષ્ણને રજૂઆત કરી હતી. તેઓએ સરકારમાં રજૂઆત કરીને આ જમીનમાં શ્રી ગણપતિ મંદિર ટ્રસ્ટનું નામ દાખલ કરાવવા પ્રયાસો કર્યા હતા. જે આજે સફળ થયા છે. જે જમીનમાં સરકારે સુઓમોટો દાખલ કરી શ્રી ગણપતિ મંદિર ટ્રસ્ટનું નામ દાખલ કરી જમીનનો કબજો લીધો છે. અને આ જમીનમાં દાખલ થઈ ગયેલા આયશાબીબી પરિવારના 7 સભ્યોના નામો કમી કરી દેવામાં આવ્યા છે.
આ જમીન અંગે પૂર્વ મામલતદાર અલ્પેશ જોશીએ જણાવ્યું હતું કે સર્વે નંબર 1424 /2 અને 1424 1 વાળી 3800 ચોરસ મીટર જમીનમાં શ્રી ગણપતિ મંદિર ટ્રસ્ટનું નામ દાખલ કરવા માટે કલેક્ટરે હુકમ કર્યો હતો. જેના આધારે આજે પોલીસ બંદોબસ્ત સાથે જમીનનો કબજો સરકાર હસ્તક લેવામાં આવ્યો છે. આ જમીન ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે કાર્યવાહી કરવામાં આવશે.








