VIDEO: વિસનગરના કડા ગામે ૨૦૦ વર્ષ જૂની 'પરી દર્શન ઉત્સવ' પરંપરા
ગુજરાતમાં ઘણી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ સદીઓથી જળવાઈ રહી છે, જેમાંની એક અનોખી અને ૨૦૦ વર્ષ જૂની પરંપરા વિસનગર તાલુકાના કડા ગામમાં જોવા મળે છે. કડા ગામે દર વર્ષે શરદ પૂર્ણિમાની રાત્રીએ આ પૌરાણિક 'પરી દર્શન ઉત્સવ'ની ઉજવણી થાય છે. આ ઉત્સવમાં પરીઓના દિવ્ય સ્વરૂપના દર્શન કરવા માટે ગ્રામજનો સહિત આસપાસના વિસ્તારના લોકોની ભારે ભીડ જામે છે.
સમગ્ર ગુજરાતમાં એકમાત્ર કડા ગામમાં આ 'પરી દર્શન ઉત્સવ' ઉજવવામાં આવે છે, જે તેને વિશેષ ઓળખ આપે છે. આ ઉત્સવમાં બે પરીઓ હાથમાં મશાલ લઈને આખા કડા ગામમાં પરિભ્રમણ કરે છે, જે સ્વર્ગીય દૃશ્ય જેવું લાગે છે. આ પરંપરા સાથે જોડાયેલી એક ખાસ વાત એ છે કે, કડા ગામના બ્રાહ્મણો માતાજીના ઉપાસક હોવાથી સતત ૧૫ દિવસની નવરાત્રી કરે છે. આ બ્રાહ્મણ પરિવારના નાના છોકરાઓને પરીનું સ્વરૂપ આપવામાં આવે છે. તેમને સજાવીને જ્યારે રજૂ કરવામાં આવે છે, ત્યારે તેઓ સાક્ષાત સ્વર્ગીય પરી નું સ્વરૂપ લાગતા હોવાથી દર્શન માટે લોકો ઉમટી પડે છે.
આ ઉત્સવની શરૂઆત લગભગ ૨૦૦ વર્ષ પહેલાં થઈ હોવાનું મનાય છે. પહેલાના સમયમાં કડા ગામના બ્રાહ્મણો અંબાજી જઈને ત્યાં પરીઓ કાઢતા હતા, પરંતુ સમય જતાં આ પરંપરા કડા ગામે જ શરૂ કરવામાં આવી અને ત્યારથી તે અવિરતપણે જળવાઈ રહી છે.
શક્તિ સેવક મંડળ દ્વાર આયોજિત આ કાર્યક્રમમાં પરીઓ નીકળી આખા ગામમાં પ્રદક્ષિણા કરે છે, અને આ અદભૂત દર્શન માટે ગ્રામજનોની આસ્થા અને ઉત્સાહ જોવા જેવો હોય છે. આ રીતે, કડા ગામ માત્ર ધાર્મિક આસ્થાનું જ નહીં, પણ એક અનોખી અને સદીઓ જૂની સાંસ્કૃતિક વિરાસતનું પણ કેન્દ્ર બન્યું છે.

