સુરતમાં બાળકીના પેટમાંથી 18 જેટલા મેગ્નેટિક મણકા બહાર કઢાયા, 3 કલાક સફળ સર્જરી કરી બચાવાયો જીવ
સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતી દોઢ વર્ષની બાળકી રમતા રમતા માતા પિતાની જાણ બહાર મેગ્નેટિક મણક

સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતી દોઢ વર્ષની બાળકી રમતા રમતા માતા પિતાની જાણ બહાર મેગ્નેટિક મણકાની માળા ગળી ગઈ હતી. બે ત્રણ દિવસ પેટમાં દુખાવો અને ઉલટીઓ થવાની શરૂ થઈ ગઈ હતી. ત્યારબાદ સ્મીમેર હોસ્પિટલ ખસેડાતા એકસરે કરતા પેટમાં મેગ્નેટિક મણકાની માળા હોવાનું સામે આવ્યું હતું. આ માળાના કારણે આંતરડાની દીવાલમાં કાણા પડી ગયા હતા. તબીબોએ 3 કલાકમાં સફળ સર્જરી કરી 18 મણકા બહાર કાઢ્યા હતા. આ સાથે જ આંતરડાની દીવાલમાં પડી ગયેલા કાણા રીપેર કરી જીવ બચાવી લેવામાં આવ્યો હતો.
બાળકી મણકા ગળી ગઈ
મળતી માહિતી પ્રમાણે, ડીંડોલી વિસ્તારમાં દોઢ વર્ષની અનન્યા પરિવાર સાથે રહે છે. પિતા સાયકલ રીપેરીંગનું કામ કરે છે. દોઢ વર્ષની બાળકી માતા પિતાની જાણ બહાર મેગ્નેટિક મણકા ગળી ગઈ હતી, હજુ ભાષા બરાબર ન હોવાથી માતા પિતાને જણાવી શકી ન હતી. ત્યારબાદ બાળકીને ઉલ્ટી તથા પેટમાં દુઃખાવો થતાં નજીકના દવાખાને સારવાર માટે લઈ ગયા, 2-3 દિવસ ની સારવાર લીધા બાદ પણ દર્દી ને ઉલ્ટી તથા પેટનો દુઃખાવો બંધ થતો ન હતો.
એક્સ રેમાં ખબર પડી
બાળકીને લઈને ફરી દવાખાને લઇ ગયા જ્યાંથી તેમને મોટી હોસ્પિટલમાં જવાની સલાહ આપવામાં આવી. જેથી બાળકીને લઈને પરિવાર ગત 27/08/24 ના રોજ સ્મીમેર હોસ્પિટલ આવ્યા હતા. માતા પિતા મણકા ગળી જવાની માહિતીથી અજાણ હતા તેથી તેમને નાનાં બાળકોનાં વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણીનો પેટ નો એક્સ રે કઢાવતા ખબર પડી કે બાળકીના પેટમાં મણકાની માળા છે. તેથી તેણીને વધારે સારવાર માટે સર્જરી વિભાગમાં શિફ્ટ કરવામાં આવી હતી.
જઠરમાં મણકા ખૂંપી ગયેલા
સર્જરી વિભાગના પ્રોફેસર ડોક્ટર હરિશ ચૌહાણ એ એન્ડોસ્કોપી કરીને માળા કાઢવાની કોશિશ કરી, પરંતુ માળાના મણકા જઠરની દીવાલમાં ખૂંપી ગયા હતા, તેથી તાત્કાલિક ઓપન લેપ્રોટોમી, ટાંકાવાળું પેટનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું. ઓપરેશન દરમિયાન જાણવા મળ્યું કે દર્દીની GI SYSTEM એક બોલની જેમ ચીપકી ગઈ હતી. એક બોલ જેવો માસ થઈ ગયો હતો, જેને છૂટા પડતાં GI SYSTEM માં વિવિધ ભાગોમાં 10 કાંણા પાડેલા હતાં, અને ત્યાં મેગ્નેટિક મણકાઓ ચોંટેલા હતાં.
12 દિવસ સારવાર આપી
સ્મીમેર હોસ્પિટલના તબીબો દ્વારા બાળકીનાં શરીરમાંથી 18 જેટલા મેગ્નેટિક મણકા બહાર કાઢવામાં આવ્યા હતા. મેગનેટને લઈને આખી GI SYSTEM ચીપકીને આંતરડાની દીવાલમાં પ્રેશર નેક્રોસિસ થઈ કાણા પડી ગયા હતા. આ તમામ 10 કાણાનું રિપેર કરી દર્દીનું 3 કલાક સફળ ઓપરેશન કર્યું હતું. દર્દીને આજરોજ 12 દિવસ પછી સંપૂર્ણ સારવાર આપી, પૂરેપૂરી સ્વસ્થ સ્થિતિમાં રજા આપવામાં આવી છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં ખર્ચ 1.5- 2 લાખ થઈ શકે છે.








