VIDEO: મહીસાગરના વીરપુરમાં "યુવતીને સિમકાર્ડ કેમ આપ્યું?" કહી 5 શખ્સોએ યુવક પર કર્યો હુમલો, હાલત ગંભીર
VIDEO: મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં રાજકીય હોદ્દો ધરાવતા શખ્સની ખુલ્લેઆમ દાદાગીરી સામે આવતા ચકચાર મચી ગઈ છે. વીરપુર તાલુકા ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ દિગ્વિજય રાઠોડ ઉર્ફે ડિગા અને તેના સાથીદારોએ મળીને માંડલિયા ગામના એક યુવક પર જીવલેણ હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ઘટનાની વિગત: મળતી માહિતી મુજબ, માંડલિયા ગામના જીગ્નેશ નામના યુવક પર આ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ "યુવતીને સિમકાર્ડ કેમ આપ્યું?" તે બાબતની અદાવત રાખીને જીગ્નેશને નિશાન બનાવ્યો હતો. ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ દિગ્વિજય રાઠોડ અને તેના અન્ય ચાર મિત્રોએ મળીને લોખંડના સળિયા તેમજ લાકડાના દંડા વડે યુવકને ઢોર માર માર્યો હતો. આ હુમલામાં જીગ્નેશને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
સારવાર અને પોલીસ કાર્યવાહી: હુમલાના પગલે લોહીલુહાણ હાલતમાં યુવકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વીરપુર સીએસસી (CHC) ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ વીરપુર પોલીસ સ્ટેશનમાં દિગ્વિજય રાઠોડ સહિત પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે, પોલીસ ફરિયાદ નોંધાતા જ આરોપીઓ હાલ ફરાર થઈ ગયા છે, જેમને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
સ્થાનિક સ્તરે રાજકીય હોદ્દો ધરાવતા વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી આ હિંસક ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે. યુવકના પરિવારે ન્યાયની માંગ કરી છે અને આરોપીઓની વહેલી તકે ધરપકડ થાય તેવી અપીલ કરી છે.

