મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Vadodara news: ગાર્ડ ઓફ ઓનર સાથે ભગવાન બુધ્ધના અસ્થિને શ્રીલંકા મોકલાયા, CM ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

ભારત અને શ્રીલંકા વચ્ચે સાંસ્કૃતિક સબંધો મજબૂત કરવાના ભાગરુપે બંને દેશની સરકારો વચ્ચે સહમતી સધાઈ

Vadodara news: ગાર્ડ ઓફ ઓનર સાથે ભગવાન બુધ્ધના અસ્થિને શ્રીલંકા મોકલાયા, CM ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

ભારત અને શ્રીલંકા વચ્ચે સાંસ્કૃતિક સબંધો મજબૂત કરવાના ભાગરુપે બંને દેશની સરકારો વચ્ચે સહમતી સધાઈ છે.જેના ભાગરુપે એમ.એસ.યુનિવર્સિટીમાં સચવાયેલા ભગવાન બુધ્ધના અસ્થિને આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં શ્રીલંકા મોકલવામાં આવ્યા હતા. શ્રીલંકાના કોલંબોમાં યોજાનારા બુધ્ધિસ્ટ એક્ઝિબિશનમાં આ અસ્થિ ભાવિકો દર્શન કરી શકે તે માટે મૂકવામાં આવશે. 

૧૯૬૦માં દેવનીમોરી ખાતે ઉત્ખનન દરમિયાન મળેલા અસ્થિને મૂળ પાત્રમાં જ સાચવીને યુનિવર્સિટીના આર્કિઓલોજી વિભાગના મ્યુઝિયમમાં મૂકવામાં આવ્યા છે. આજે પહેલી વખત આ અસ્થિ યુનિવર્સિટી કેમ્પસની બહાર નિકળ્યા હતા.આજે મુખ્યમંત્રીની હાજરીમાં બૌધ્ધ સાધુઓ દ્વારા મંત્રોચ્ચાર અને પૂજા પાઠ સાથે પવિત્ર અસ્થિને ફૂલોથી શણગારેલી ગાડીમાં મૂકવામાં આવ્યા હતા. આ દરમિયાન ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. વિદેશી વિદ્યાર્થીઓએ પણ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. ત્રણ બૌધ્ધ સાધુઓ તેમજ આર્કિલોઓજી વિભાગના ચાર અધ્યાપકો આ અસ્થિને લઈને વડોદરાથી ફ્લાઈટમાં આજે રાત્રે દિલ્હી જશે. જ્યાંથી અસ્થિ તા.૪ ફેબ્રુઆરીએ કોલંબો પહોંચશે. તા.૧૧ ફેબુ્આરીએ ફેકલ્ટી ડીન અને સરકારના બીજા અધિકારીઓ અસ્થિને લઈને વડોદરા પરત આવશે.

ફેકલ્ટીઓમાં શિક્ષણ કાર્ય પર અસર, સાયન્સમાં પરીક્ષા રદ 

ભગવાન બુધ્ધના અસ્થિને શ્રીલંકા મોકલવા માટેના વિશેષ કાર્યક્રમમાં મુખ્યમંત્રી હાજર રહેવાના હોવાથી આજે યુનિવર્સિટીનું કેમ્પસ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. યુનિવર્સિટી કેમ્પસમાં આમ તો સફાઈના ઠેકાણા નથી હોતા પણ મુખ્યમંત્રીના આગમનના કારણે કેમ્પસમાં આજે સાફ સફાઈ જોવા મળી હતી. બીજી તરફ સાયન્સ, આર્ટસ અને કોમર્સ ફેકલ્ટીમાં શિક્ષણ કાર્ય પર પણ અસર પડી હતી. બપોર પછીના લેકચરો  કેન્સલ કરવામાં આવ્યા હતા.સાયન્સ ફેકલ્ટીમાં તો આજની તમામ ઈન્ટરનલ પરીક્ષાઓ પણ રદ કરવામાં આવી હતી.આમ વિદ્યાર્થીઓને તો સરવાળે હેરાન થવાનો વારો આવ્યો હતો.જોકે, યુનિવર્સિટી કેમ્પસમાં ઘણા વર્ષો બાદ કોઈ  મુખ્યમંત્રીએ પગ મૂકયો હતો.

વિશેષ ફ્લાઈટ, શ્રીલંકાના પીએમ હાજર રહેશે

ફેકલ્ટી ડીન પ્રો.કલ્પના ગવલીએ કહ્યું હતું કે, અસ્થિને દિલ્હીથી વિશેષ ફ્લાઈટમાં કોલંબો લઈ જવામાં આવશે. શ્રીલંકાના વડાપ્રધાન પણ આ પ્રસંગે હાજર રહેવાના છે.શ્રીલંકામાં પણ ભવ્ય સમારોહનું આયોજન કરાયું છે અને એ પછી અસ્થિને પ્રદર્શન સ્થળે લઈ જવાશે.

અસ્થિના પાત્ર પર દશબલ શરીર નિલય..લખાણ 

ભગવાન બુધ્ધના અસ્થિ સાથે સિલ્કના વસ્ત્ર સાથેનું પાત્ર પણ છે. પથ્થરમાંથી બનાવેલા ઢાંકણાવાળા ખડિયા જેવા બોક્સમાં આ અસ્થિ મળ્યા હતા. તેના પર બ્રાહ્મી લિપિમાં અને સંસ્કૃતમાં દશબલ શરીર નિલય...લખાણ છે.જેનો અર્થ થાય છે કે, આ પાત્ર ભગવાન શ્રી બુધ્ધના અવશેષોનું સ્થાન છે. જે જગ્યાએ ઉત્ખનન કરાયું હતું તે દેવનીમોરી સાઈટ પર બુધ્ધ વિહાર હોવાનું પણ ફલિત થયું હતું. આઠમી સદીમાં આ વિહાર વિસ્મૃત થયો હતો.

આ સમાચાર શેર કરો