મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખૂંખાર શિકારીનો નરમ અંદાજ: કોવાયા ગામે ઘૂસેલા સિંહોએ ગલુડિયા સાથે કરી ગમ્મત, Video સોશિયલ મીડિયા પર વાયરલ

ગીરની ધરતી પર અવારનવાર સિંહોના વીડિયો વાયરલ થતા હોય છે, પરંતુ અમરેલી

ગીરની ધરતી પર અવારનવાર સિંહોના વીડિયો વાયરલ થતા હોય છે, પરંતુ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામે જે દૃશ્યો જોવા મળ્યા છે તે ખરેખર અકલ્પનીય છે. સામાન્ય રીતે સિંહ સામે શ્વાન આવી જાય તો તેનો શિકાર નિશ્ચિત માનવામાં આવે છે, પરંતુ અહીં સિંહોની એક અલગ જ 'પ્રામાણિકતા' અને નિર્દોષતા જોવા મળી છે.

શિકારની શોધમાં આવ્યા અને મિત્રતા કરી બેઠા

ગઈકાલે મોડી રાત્રે રાજુલાના કોવાયા ગામની ગલીઓમાં શિકારની શોધમાં સિંહોનું એક ટોળું ઘૂસી આવ્યું હતું. ગામના રહેણાંક વિસ્તારમાં સિંહોની હાજરીથી ફફડાટ ફેલાયો હતો, પણ ત્યારે જ કંઈક એવું બન્યું જેણે સૌને આશ્ચર્યમાં મૂકી દીધા. રસ્તા પર રમી રહેલા શ્વાનના નાના બચ્ચા (ગલુડિયા) પર સિંહોની નજર પડી.

CCTVમાં કેદ થયા અદભૂત દૃશ્યો

ગામમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયેલા ફૂટેજ મુજબ સિંહોએ શ્વાનના બચ્ચાને જોઈ તેના પર હુમલો કરવાને બદલે તેની સાથે ગમ્મત કરવાનું શરૂ કર્યું.  એક સિંહે મોઢામાં ગલુડિયાને પકડ્યું પણ તેને ઈજા પહોંચાડ્યા વગર જ હળવેથી નીચે મૂકી દીધું. શિકાર કરવા આવેલા સિંહોએ જાણે શિકારનો નિયમ ભૂલીને તે નાના જીવ સાથે મજાક-મસ્તી કરી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા.

સિંહોની ચર્ચા

ગામલોકો અને વન્યજીવ પ્રેમીઓમાં આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે. વનરાજોની આ ઉદારતા જોઈને લોકો કહી રહ્યા છે કે સિંહ પણ ક્યારેક શિકાર છોડીને નિર્દોષ રમત રમી શકે છે. શ્વાનના બચ્ચા સાથેની આ નિર્દોષ રમતની પળો સોશિયલ મીડિયા પર પણ ભારે વાયરલ થઈ રહી છે.

સામાન્ય રીતે વન્યજીવોના હુમલાના સમાચાર આવતા હોય છે, ત્યારે કોવાયા ગામની આ ઘટના પ્રકૃતિ અને પ્રાણી જગતનો એક અનોખો અને પ્રેમાળ ચહેરો રજૂ કરે છે.

આ સમાચાર શેર કરો