મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Navsari/ દીપડાનું ચામડું વેચવાનું રેકેટ પકડાયું, એક મહિલા સહિત 4 આરોપીઓની અટકાયત

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના રાણી ફળિયા ગામેથી વન વિભાગે એક મોટી સફળતા હાંસલ કરી

Navsari/ દીપડાનું ચામડું વેચવાનું રેકેટ પકડાયું, એક મહિલા સહિત 4 આરોપીઓની અટકાયત

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના રાણી ફળિયા ગામેથી વન વિભાગે એક મોટી સફળતા હાંસલ કરી છે. શિડ્યુલ-1 હેઠળ આવતા મૃત દીપડાના ચામડાના વેચાણની બાતમીના આધારે વન વિભાગે રેડ કરીને એક મહિલા સહિત કુલ 4 આરોપીઓની અટકાયત કરી છે.

વાંસદામાં રેડ, ડાંગ અને વડોદરાના આરોપીઓ ઝડપાયા

ગુપ્ત બાતમીના આધારે વાંસદા પૂર્વ અને પશ્ચિમ બંને વિભાગના વન અધિકારીઓએ રાણી ફળિયામાં છાપો માર્યો હતો. આ રેડ દરમિયાન દીપડાના ચામડા સાથે 4 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.

ઝડપાયેલા આરોપીઓની વિગતો નીચે મુજબ છે:

  • રાજેશ માધવ પણીકર (રાણી ફળિયાં, વાંસદા)
  • જયેશ રામદાસ ગાંવિત (શિવારીમાળ, ડાંગ) - જે ચામડું વેચવા આવ્યો હતો.
  • કિરીટ ચંદ્રકાંત ચૌહાણ (વડોદરા) - જે ચામડું ખરીદવા આવ્યો હતો.
  • ગિરીશ ખુશાલ પરમાર (વડોદરા) - જે ચામડું ખરીદવા આવ્યો હતો.

વન વિભાગે દીપડાનું ચામડું જપ્ત કર્યું છે.

ચામડું કેવી રીતે લાવ્યા? તપાસ શરૂ:

વાંસદા વન વિભાગે હવે એ દિશામાં તપાસ શરૂ કરી છે કે આ દીપડાનું મૃત્યુ કઈ રીતે થયું? અને આરોપીઓ આ ચામડું ડાંગના શિવારીમાળથી કેવી રીતે લાવ્યા. વન વિભાગને આશંકા છે કે આ પ્રકરણમાં હજુ અન્ય કેટલાક આરોપીઓની સંડોવણી હોઈ શકે છે.

શિડ્યુલ-1 હેઠળ ગંભીર ગુનો:

દીપડો ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ (Wildlife Protection Act) ના શિડ્યુલ-1 હેઠળ આવતું પ્રાણી છે, જેની હત્યા કે અંગોનું વેચાણ કરવું એ અત્યંત ગંભીર ગુનો છે. વન વિભાગ દ્વારા આંતરરાજ્ય વન્યજીવ તસ્કરીના નેટવર્કને તોડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો