સ્ટેટ મોનીટરીંગ સેલના PSI પઠાણના મોત મામલે LCBએ શંકાસ્પદ ઇસમની કરી અટકાયત
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા-પાટડી માર્ગ ઉપર દારૂ ભરેલી શંકાસ્પદ ગાડી પકડવા જતા સ્ટેટ મોનીટર

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા-પાટડી માર્ગ ઉપર દારૂ ભરેલી શંકાસ્પદ ગાડી પકડવા જતા સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ના PSI જે.એમ.પઠાણનું માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યું હતું. સ્ટેટ મોનીટરીંગ સેલના PSI પઠાણના મોત મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. PSI પઠાણના મોતની તપાસ કરતી અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ શંકાસ્પદ ઇસમની અટકાયત કરી છે.
SMC પીએસઆઇ પઠાણના મોતના રહસ્ય વચ્ચે અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ શંકાસ્પદ ઈસમની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. PSI પઠાણનો અકસ્માત થયો હતો કે હત્યા કરવામાં આવી હતી તે બાબતે ટૂંક સમયમાં મોટો ખુલાસો થઇ શકે છે. ક્રેટા કાર ટ્રેલર વાહનોની પણ પૂછપરછ દરમ્યાન અનેક ચોકાવનારી વિગતો સામે આવશે. હાલ તો અમદાવાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે શંકાસ્પદ ઇસમની કડક પૂછપરછ હાથ ધરી છે.
PSI જાવેદ પઠાણનું ટ્રેલરથી ટક્કર વાગતા મોત થયું - SP નિરલિપ્ત રાય
સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજવતા PSI જાવેદ પઠાણના મૃત્યુ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલના SP નિરલિપ્ત રાયે નિવેદન આપતા કહ્યું કે 4 નવેમ્બરના રોજ PSI પઠાણને બાતમી મળી હતી કે સુરેન્દ્રનગરમાં દારૂની હેરાફેરી થવાની છે અને 4 ખાનગી માણસોને લઈને રેડ કરવા માટે ગયા હતા. SMCની એક ટીમ રેકી કરતી હતી, જ્યારે બીજી ટીમ વાહનોની ચેકિંગ કરતી હતી. દારૂ ભરેલી ગાડી નીકળે તો તેને અટકાવવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ તે દરમિયાન PSIનું ટ્રેલરથી ટક્કર વાગતા મોત થયું હતું.
બુટલેગરે PSI જે. એમ. પઠાણ પર ગાડી ચડાવી દીધી - નૌશાદ સોલંકી
સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના કઠાડા ગામમાં સ્ટેટ મોનીટરીંગ સેલના PSI જે. એમ. પઠાણના મોત મામલે દસાડાના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ આ અંગે ગંભીર આક્ષેપ કર્યા હતા અને કહ્યું હતું કે, ‘PSI જે.એમ.પઠાણ એક બુટલેગરને ત્યાં રેડ કરવા ગયા હતા અને બુટલેગરે તેમના પર ગાડી ચડાવી દીધી હતી. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ ભાંગી પડી હોય તે પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ છે. એક તરફ ધર્મના ઝનૂનમાં ગુજરાતને નશામાં રાખવામાં આવે છે. યુવાધન નશામાં બરબાદ થઈ રહ્યું છે.’








