રાજકોટ : નવી કોર્ટમાં વકીલ પર હુમલો, વકીલ અને તેના જુનિયરને અસીલે માર માર્યો
ગુજરાતમાં વકીલો પર હુમલાની ઘટનાઓ વધી રહી છે. હવે રાજકોટમાં વકીલ પર હુમલાની

ગુજરાતમાં વકીલો પર હુમલાની ઘટનાઓ વધી રહી છે. હવે રાજકોટમાં વકીલ પર હુમલાની ઘટના ઘટી છે. રાજકોટ શહેરમાં જામનગર રોડ પર આવેલી નવી કોર્ટમાં વકીલ અને અસીલ વચ્ચે કોઈ કારણે માથાકુટ થતા વકીલ ભાર્ગવ બોડા અને તેના જુનિયરને અસીલે માર માર્યો છે. જો કે ઘટના સમયે હાજર અન્ય વકીલોએ હુમલો કરનાર અસીલને બેફામ લમધારી પાઠ ભણાવ્યો હતો.
ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડી નવી કોર્ટ ખાતે દોડી ગયો હતો. વકીલ ભાર્ગવ બોડા અને તેના જુનિયરને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ કોર્ટની અંદર વિડીયો ઉતારવા બાબતે માથાકૂટ થઇ હતી હરેશ પઢિયાર અને અનિલ પઢિયાર નામના શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
3 દિવસ પહેલા ગાંધીનગરમાં વકીલ પર થયો હતો હુમલો
3 દિવસ પહેલા 7 જાન્યુઆરીએ ગાંધીનગરમાં મહારાષ્ટ્રના વકીલ પર હુમલો થયો હતો. મહારાષ્ટ્રના એક 42 વર્ષીય વકીલ પર તેમના અસીલ દ્વારા કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો, જે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળ તેમની સામે નોંધાયેલા કેસનો ઝડપી સમાધાન ઇચ્છતા હતા.
પોતાની ફરિયાદમાં, મહારાષ્ટ્રના વકીલે જણાવ્યું હતું કે તેમના અસીલે તેમને કહ્યું હતું કે તેમણે સલાહ મુજબ કેસમાં ફરિયાદીને 50,000 રૂપિયા ઓનલાઈન ચૂકવ્યા હતા, પરંતુ તેઓ કોર્ટને આ વ્યવહાર વિશે જાણ કરવા માંગતા ન હતા.
વકીલે જણાવ્યું કે, તેમણે આ મામલાને આગળ વધારવાનો ઇનકાર કર્યો અને તે રાત્રે મોડી રાત્રે હોટલ ગયા. જ્યારે વકીલ મહારાષ્ટ્ર પાછા ફરવા માટે બસ પકડવા જઈ રહ્યા હતા, ત્યારે અસીલે તેમની સાથે કથિત રીતે ઝઘડો કર્યો, અપશબ્દોનો ઉપયોગ કર્યો અને તેમના પર હુમલો કર્યો હતો.
વકીલ આરોપીઓ સાથે સેક્ટર 21 પોલીસ સ્ટેશન પહોંચ્યા અને અરજી સુપરત કરી અને બાદમાં શનિવારે વકીલ પર હુમલો કરનારા ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.








