કચ્છ કડવા પાટીદાર સમાજનો નિર્ણય: ત્રીજું સંતાન દીકરી જન્મે તો ₹51 હજારનું ઈનામ

પાટીદાર સમાજમાં ઘટતી જતી વસતિની ચિંતાને ધ્યાને લઈને કચ્છ કડવા પાટીદાર સમાજે એક મહત્ત્વપૂર્ણ અને પ્રોત્સાહક નિર્ણય લીધો છે. હિંમતનગર ખાતે યોજાયેલા સમૂહ લગ્ન દરમિયાન આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જે મુજબ સમાજમાં ત્રીજું સંતાન જો દીકરી જન્મે તો પરિવારને 51 હજાર રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.
વિશ્વઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલ દ્વારા કરાયેલા આહ્વાન અને પહેલને સ્વીકારીને કચ્છ કડવા પાટીદાર સમાજે આ દિશામાં પગલું ભર્યું છે. સમાજની વસતિ સંતુલન અને દીકરીઓને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સમાજ દ્વારા સ્પષ્ટ કરાયું છે.
કચ્છ સમાજના આગેવાનોએ જણાવ્યું છે કે આપણી ઘટતી વસતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે, જેનાથી સમાજમાં નવી ઉર્જા અને સંતુલન જાળવવામાં મદદ મળશે. સમૂહ લગ્નના મંચ પરથી કરાયેલી આ જાહેરાતને સમાજમાં આવકાર મળી રહ્યો છે.














