ગુજરાતના ખેડૂતોની મહેનત પર પાણી: કોલ્ડ સ્ટોરેજના અભાવે પાક બગડી જતાં મોટું નુકસાન

ખેડૂતોની આવક બમણી કરવાના દાવા વચ્ચે ગુજરાતમાં પાકના સંગ્રહની સુવિધાનો અભાવ ખેડૂતો માટે મોટી મુશ્કેલી બની રહ્યો છે. મોંઘા બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ અને ખેતમજૂરી પાછળ ખર્ચ કર્યા બાદ પાક તૈયાર થાય છે, પરંતુ લણણી પછી તેને સાચવવાની પૂરતી વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોને નુકસાન વેઠવું પડી રહ્યું છે. અનાજ, શાકભાજી અને ફળફળાદિ બગડી જતાં ખેડૂતોને તેને ફેંકી દેવાની ફરજ પડી રહી છે.
બે વર્ષથી કમોસમી વરસાદ
છેલ્લાં બે વર્ષથી કમોસમી વરસાદ સહિતના પડકારોનો સામનો કરી રહેલા ખેડૂતોની મુશ્કેલી પાકના સંગ્રહની વ્યવસ્થાના અભાવે વધુ વધી છે. ખેતરમાં પાક તૈયાર કરવા માટે આખી સિઝન મહેનત કર્યા બાદ ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી અને સંગ્રહની સુવિધા ન હોવાથી પાક બગડી જવાનો ભય પણ રહે છે.
ગુજરાતમાં સ્થિતિ વિકટ
કેન્દ્ર સરકારના એપ્રિલ 2026 સુધીના અહેવાલમાં પણ ગુજરાતમાં પાક ઉત્પાદનના સંગ્રહ માટેની સુવિધાના અભાવની સ્થિતિ સામે આવી છે. ઘઉં, બાજરી, રાયડો, કપાસ અને મગફળી જેવા પાક ઉપરાંત કોબીજ, ડુંગળી, બટાકા અને રીંગણ સહિતના શાકભાજી તથા પપૈયા અને કેળાં જેવા ફળો પણ બગડી ગયાં હતાં.
ખેતર નજીક કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થાનો અભાવ
ખેતરોની નજીક ગોડાઉન અને કોલ્ડ સ્ટોરેજની પૂરતી વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોને નુકસાન થયું છે. જો પાક સંગ્રહ માટે યોગ્ય સુવિધાઓ ઊભી કરવામાં આવે તો પાકનો બગાડ અટકાવી શકાય અને ખેડૂતોને આર્થિક નુકસાનમાંથી રાહત મળી શકે. હાલ સંગ્રહની વ્યવસ્થાનો અભાવ ખેડૂતોની મહેનત અને પરસેવાને વેડફી રહ્યો છે.












