પહેલગામ હુમલા પૂર્વે ચીનના સેટેલાઈટે ગુજરાતનાં દરિયાકાંઠે પણ ગોઠવી હતી વોચ, રિપોર્ટમાં ચોંકાવનારો દાવો

પહેલગામ હુમલા પૂર્વે ચીનના સેટેલાઈટે  ગુજરાતનાં દરિયાકાંઠે પણ ગોઠવી હતી વોચ, રિપોર્ટમાં ચોંકાવનારો દાવો
તસવીર: Google
આ સમાચાર સાંભળો

22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોના મોત થયા હતા અને તેના જવાબમાં 7 મે 2025ના રોજ ભારતે 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું હતું. હવે બેંગલુરુની પ્રાઈવેટ સ્પેસ કંપની 'દિગંતરા' (Digantara)ના એનાલિસિસમાં ખુલાસો થયો છે કે પહેલગામ હુમલા પહેલાં અને આસપાસના સમયમાં ચીનના ઘણા સેટેલાઈટે પોતાની કક્ષા (Orbit) માં અસામાન્ય ફેરફાર કર્યા હતા. જોકે, આ ગતિવિધિઓથી હુમલામાં ચીનની સીધી ભૂમિકા સાબિત થતી નથી, પરંતુ ભારતની સ્પેસ સિક્યોરિટી અને ગુપ્તચર દેખરેખ અંગે ગંભીર સવાલો જરૂર ઊભા થયા છે.

હુમલાના 6 દિવસ પહેલાં Yaogan-35-01A ની કક્ષામાં ફેરફાર

જાહેરાત

37 અસામાન્ય કક્ષીય ફેરફાર: દિગંતરાએ 15 એપ્રિલથી 30 એપ્રિલ 2025 દરમિયાન ચીનની 1,332 અવકાશી વસ્તુઓનો અભ્યાસ કર્યો હતો, જેમાંથી 190 વસ્તુઓએ ઓછામાં ઓછા એકવાર પોતાની કક્ષા બદલી અને 37 અસામાન્ય ગતિવિધિઓ નોંધાઈ હતી.

Yaogan સિરીઝના સેટેલાઈટની હલચલ: હુમલાના 6 દિવસ પહેલાં 16 એપ્રિલ 2025 ના રોજ ચીનના 'Yaogan-35-01A' સેટેલાઈટે પોતાની કક્ષા બદલી હતી, જેનાથી પહેલગામ પરથી પસાર થવાની તેની ફ્રિક્વન્સી લગભગ બમણી થઈ ગઈ. આ ઉપરાંત 22 એપ્રિલે હુમલાના દિવસે સાંજે 5:14 વાગ્યે 'Yaogan-39-01B' અને સાંજે 5:59 વાગ્યે 'Yaogan-39-01C' એ પણ પોતાની કક્ષા બદલી હતી, જેનાથી પહેલગામ, શ્રીનગર, ગુલમર્ગ, સોનમર્ગ અને જમ્મુ પર નિગરાનીની શક્યતા વધી હતી.

ગુજરાત તટ પર નજર અને ચીન-પાકિસ્તાન સ્પેસ સહયોગ

ભુજ, નલિયા અને જામનગર પર ફોકસ: 24 નવેમ્બર 2026ના રિપોર્ટ મુજબ, 10 અને 11 મે 2025 ના રોજ ચીનના 'Ningxia-14', 'Gaofen-11' અને 'Yaogan-30' સેટેલાઈટ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો—ખાસ કરીને ભુજ, નલિયા અને જામનગર પર કેન્દ્રિત હતા, જ્યાં મહત્વપૂર્ણ ઔદ્યોગિક, સૈન્ય અને નૌકાદળના મથકો આવેલા છે.

ચીન-પાકિસ્તાન અવકાશ ભાગીદારી: જાન્યુઆરી 2025 થી જૂન 2026 વચ્ચે પાકિસ્તાને 6 સેટેલાઈટ લોન્ચ કર્યા, જેમાંથી 5 ના પ્રક્ષેપણ કે ટેકનિકલ સહયોગમાં ચીનની ભૂમિકા હતી. આ સ્થિતિમાં ભારત માટે સ્પેસ ડોમેન અવેરનેસ (Space Domain Awareness) મજબૂત બનાવવી અને Cartosat, RISAT તથા EMISAT જેવી ક્ષમતાઓ સાથે અન્ય દેશોના સેટેલાઈટ પર સતત નજર રાખવી અત્યંત જરૂરી બની છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત