બ્રિટન-સિંગાપોરની જેમ ભારતમાં પણ કોર્ટ બહાર સમાધાનની વ્યવસ્થા, ગુજરાતથી થશે શરૂઆત

બ્રિટન-સિંગાપોરની જેમ ભારતમાં પણ કોર્ટ બહાર સમાધાનની વ્યવસ્થા, ગુજરાતથી થશે શરૂઆત
તસવીર: AI
આ સમાચાર સાંભળો

કોર્ટમાં પેન્ડિંગ કેસોનું ભારણ ઘટે અને વિવાદો કોર્ટમાં પહોંચે તે પહેલાં જ ઉકેલાઈ જાય તેવા ઉમદા હેતુથી ભારત સરકારે ગુજરાતમાં 24 સભ્યોની એક વિશેષ સમિતિની રચના કરી છે. સુપ્રીમ કોર્ટના આદેશથી ભારતમાં પહેલીવાર વર્ષ 2023માં ઘડાયેલા 'મિડિયેશન એક્ટ'ની જોગવાઈ હેઠળ આ સમિતિની નિમણૂક કરીને સમગ્ર વ્યવસ્થાને અમલમાં લાવવામાં આવી રહી છે. આ સમિતિના સભ્યો દ્વારા કેસ કોર્ટમાં જાય તે પહેલાં જ બંને પક્ષકારોને સાથે બેસાડીને સુખદ સમાધાન કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે.  

સમાજના અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓની પસંદગી, અપાઈ 40 દિવસની ખાસ તાલીમ

જાહેરાત

ગુજરાતમાં મધ્યસ્થીની આ મહત્ત્વની કામગીરી કરવા માટે નિયુક્ત કરવામાં આવેલા 24 સભ્યોમાં સમાજના પ્રતિષ્ઠિત અગ્રણીઓ અને બિઝનેસ-ઉદ્યોગ ક્ષેત્રે વર્ચસ્વ ધરાવનારા લોકોની પસંદગી કરવામાં આવી છે. આ તમામ 24 સભ્યોને કાયદાકીય અને મધ્યસ્થીની પ્રક્રિયા સમજવા માટે 40 દિવસની વિશેષ તાલીમ પણ આપવામાં આવી છે. આગામી સમયમાં મધ્યસ્થીની આ સિસ્ટમ સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે અને મિડિયેટરે આ તમામ કેસોમાં સંપૂર્ણ ગુપ્તતા જાળવવી પડશે.

એફિડેવિટ પર સમાધાન અને કોર્ટના પેન્ડિંગ કેસોનો 1 મહિનામાં નિકાલ

વેપાર-ઉદ્યોગને લગતા કે પછી અન્ય પ્રકારના વિવાદોમાં સમિતિના સભ્યો બંને પક્ષોને સમાધાન સુધી લઈ જશે. સમાધાન થયા બાદ બંને પક્ષો પાસે એફિડેવિટ પર લખાણ કરાવી સહી-સિક્કા સાથે તે કોર્ટમાં મોકલી આપવામાં આવશે, જેના આધારે કોર્ટ તેના પર અંતિમ ઓર્ડર કરી દેશે.

આ ઉપરાંત, નાના નગરો અને ગ્રામીણ સ્તરની કોર્ટમાં પહોંચેલા અને કેસોના ભારણને કારણે લાંબા સમયથી હિયરિંગ પર ન આવતા કેસોની ફાઈલો પણ આ 24 સભ્યોની સમિતિને મોકલવામાં આવશે. સમિતિને આવા કેસોમાં 1 મહિનાનો સમય આપીને સમાધાન કરાવી નિરાકરણ લાવવા જણાવવામાં આવશે.

બ્રિટનમાં 92% અને સિંગાપોરમાં 89% કેસોનું કોર્ટ બહાર જ સમાધાન

ભારત સરકારે ઘડેલો મિડિયેશન એક્ટ મધ્યસ્થીની કામગીરીને વધુ મજબૂત બનાવશે. અગાઉ જર્મની, જાપાન, ઈટાલી, નેધરલેન્ડ, કેનેડા, ન્યૂઝીલેન્ડ, બ્રાઝિલ અને સ્લોવેનિયા જેવા દેશોમાં મિડિયેશનની આ પ્રથા સફળતાપૂર્વક અમલમાં આવી ચૂકી છે, તેવી જ વ્યવસ્થા હવે ભારતમાં શરૂ થઈ રહી છે. આંકડાકીય વિગતો મુજબ, આ પ્રથાને કારણે બ્રિટનમાં 92 ટકા, સિંગાપોરમાં 89 ટકા અને ઑસ્ટ્રેલિયામાં 66 ટકા કેસોમાં કોર્ટમાં જતાં પહેલાં જ સમાધાન થઈ જાય છે, જેનાથી ત્યાંની અદાલતોનું ભારણ નોંધપાત્ર રીતે ઘટ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત