હીરાબાઈ બડોદેકર: જેમણે મહિલાઓ માટે ખોલ્યા સંગીતની દુનિયાના દ્વાર, 15 વર્ષની ઉંમરે જાહેર મંચ પર જમાવી હતી ધાક

હીરાબાઈ બડોદેકર: જેમણે મહિલાઓ માટે ખોલ્યા સંગીતની દુનિયાના દ્વાર, 15 વર્ષની ઉંમરે જાહેર મંચ પર જમાવી હતી ધાક
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ભારતીય શાસ્ત્રીય સંગીતના ઇતિહાસમાં કેટલાંક નામો એવાં છે, જેમણે માત્ર પોતાના અવાજથી ઓળખ નથી બનાવી, પરંતુ પોતાના કાર્યથી આવનારી પેઢીઓ માટે પણ માર્ગ તૈયાર કર્યો છે. આવી જ એક મહાન ગાયિકા હતાં હીરાબાઈ બડોદેકર. તેમણે એવી મુશ્કેલ સફર દમરિયાન સંગીતની દુનિયામાં પગ મૂક્યો, જ્યારે મહિલાઓ માટે જાહેર મંચ પર ગાવું સરળ નહોતું. સમાજના અનેક બંધનો છતાં હીરાબાઈએ પોતાની પ્રતિભાના જોરે અલગ ઓળખ ઊભી કરી. એટલું જ નહીં, તેમણે મહિલાઓને સંગીતના ક્ષેત્રમાં આગળ વધવાનો ઉત્સાહ પણ આપ્યો. તેમને ભારતમાં ટિકિટ લઈને સંગીત કાર્યક્રમ જોવાની પરંપરા શરૂ કરનાર પ્રથમ મહિલા કલાકાર તરીકે યાદ કરવામાં આવે છે.

20 નવેમ્બરનો દિવસ હીરાબાઈ બડોદેકરને યાદ કરવાનો ખાસ અવસર છે. તેમનો જન્મ 29 મે 1905ના રોજ મહારાષ્ટ્રના મિરજમાં થયો હતો. બાળપણમાં તેમનું નામ ચંપાકલી હતું. તેઓ પ્રખ્યાત કિરાના ઘરાનાના દિગ્ગજ ગાયક ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાં અને તારાબાઈ માનેનાં પુત્રી હતાં. ઘરમાં પહેલેથી જ સંગીતનું વાતાવરણ હતું, તેથી બાળપણથી જ તેમનો ઝુકાવ ગાયકી તરફ થઈ ગયો હતો.

જાહેરાત

શાસ્ત્રીય સંગીતને સામાન્ય લોકો સુધી પહોંચાડવાનો હતો પ્રયાસ

હીરાબાઈએ સંગીતની શરૂઆતની તાલીમ પોતાના ભાઈ સુરેશબાબુ માને પાસેથી મેળવી હતી. ત્યારબાદ તેમણે ઉસ્તાદ અબ્દુલ વહીદ ખાં પાસેથી પણ શાસ્ત્રીય સંગીતની બારીકાઈઓ શીખી. માત્ર 15 વર્ષની ઉંમરે તેમણે પ્રથમ વખત જાહેર મંચ પર પોતાની ગાયકીની કળા બતાવી. તેમના અવાજમાં મધુરતા હતી અને સુરો પર જબરદસ્ત પકડ હતી. ધીમે-ધીમે લોકો તેમની ગાયકીના દિવાના થવા લાગ્યા. હીરાબાઈ માત્ર શાસ્ત્રીય સંગીતના જાણકારો વચ્ચે જ લોકપ્રિય થવા માંગતાં નહોતાં. તેમની ઇચ્છા હતી કે સામાન્ય લોકો પણ આ સંગીતને સાંભળે અને સમજે. તેમણે ખયાલ, ઠુમરી, ભજન અને મરાઠી નાટ્ય સંગીત જેવી વિવિધ વિધાઓમાં પોતાની કલાનું પ્રદર્શન કર્યું. તેમની ગાયકીની સૌથી ખાસ વાત એ હતી કે તેઓ સંગીતને દરેક વર્ગના લોકો સુધી પહોંચાડવા માંગતાં હતાં.

ફિલ્મોમાં પણ બતાવી અભિનયની કળા

તે સમયે મહિલાઓ માટે જાહેર મંચ પર કાર્યક્રમ કરવો મોટો પડકાર ગણાતો હતો. પરંતુ હીરાબાઈએ આ જૂની વિચારસરણી અને બંધનોને પાછળ છોડીને ટિકિટ લઈને સંગીત કાર્યક્રમો યોજવાની શરૂઆત કરી. આ રીતે તેઓ ભારતમાં ટિકિટવાળા કોન્સર્ટ શરૂ કરનાર પ્રથમ મહિલા કલાકાર બન્યાં. તેમની આ પહેલે અન્ય મહિલા કલાકારોને પણ પોતાની કળાના જોરે ઓળખ બનાવવાની તક આપી. હીરાબાઈ બડોદેકરનું યોગદાન માત્ર ગાયકી પૂરતું સીમિત રહ્યું નથી. તેમણે ફિલ્મોમાં પણ કામ કર્યું. ‘સુવર્ણ મંદિર’, ‘પ્રતિભા’, ‘જનાબાઈ’ અને ‘મ્યુનિસિપાલિટી’ જેવી ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો. તેમનાં નાનાં બહેન સરસ્વતી રાણે પણ આગળ જતાં સંગીતની દુનિયાનું જાણીતું નામ બન્યાં. બંને બહેનોએ અનેક પ્રસંગોએ સાથે મળીને પણ પોતાની પ્રસ્તુતિઓ આપી. હીરાબાઈ ઇચ્છતાં હતાં કે છોકરીઓને પણ સંગીત શીખવા અને આગળ વધવાની સમાન તકો મળે. આ જ ઉદ્દેશ્યથી તેમણે નૂતન સંગીત વિદ્યાલયની સ્થાપના કરી, જ્યાં છોકરીઓને સંગીતનું શિક્ષણ આપવામાં આવતું હતું.

અનેક મોટા સન્માનોથી નવાજાયાં હીરાબાઈ

ભારતીય સંગીતમાં તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને તેમને અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યાં. વર્ષ 1965માં તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કાર મળ્યો. ત્યારબાદ 1970માં ભારત સરકારે તેમને પદ્મ ભૂષણથી નવાજ્યાં. 20 નવેમ્બર 1989ના રોજ 84 વર્ષની ઉંમરે હીરાબાઈ બડોદેકરનું નિધન થયું. ભલે આજે તેઓ આપણી વચ્ચે નથી, પરંતુ તેમની ગાયકી, સંગીત પ્રત્યેનું તેમનું સમર્પણ અને મહિલાઓ માટે તેમણે કરેલા પ્રયાસો હંમેશા યાદ કરવામાં આવશે. તેમણે સાબિત કર્યું કે જો કળા અને હિંમત હોય, તો જૂની પરંપરાઓને બદલીને નવો રાહ બનાવી શકાય છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત