બાબા સિદ્દીકી કેસના આરોપી ઝિશાનના નામે સૈફ અલી ખાનને ધમકી, બોલિવૂડ અભિનેતાને નિશાન બનાવવાની ચીમકી

બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાનને મારી નાખવાની ધમકી મળી હતી. માજી વિધાનસભ્ય બાબા સિદ્દીકીની હત્યા કેસમાં ફરાર આરોપી ઝીશાન અખ્તરના નામે આ ધમકી આપવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. જોકે મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે કે ખરેખર આ ધમકી અખ્તરે આપી હતી કે કોઈ અન્ય વ્યક્તિએ તેમના નામનો ઉપયોગ કર્યો હતો. તાજેતરના અઠવાડિયામાં અમિતાભ બચ્ચન, આયુષ્માન ખુરાના અને તુષાર કપૂર સહિતના ફિલ્મ સ્ટાર્સને આપવામાં આવેલી ધમકીઓ બાદ હવે સૈફને પણ ધમકી અપાઈ છે.
અભિનેતા સૈફ અલી ખાનને ઝીશાન અખ્તરના નામે તેના ફોન પર એક વોઇસ મેસેજ મળ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે તેની પણ હાલત બાબા સિદ્દીકી જેવી કરવામાં આવશે, પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ ધમકી ખરેખર અખ્તર તરફથી આવી છે કે કોઈ અન્ય તેના નામે ડોળ કરી રહ્યું છે. સેલિબ્રિટીઓને ડરાવવા માટે આટફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કે કેમ તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સૈફની પત્ની કરીના કપૂરે દિવાળી પાર્ટીમાં ગળામાં ધાર્મિક લખાણ ધરાવતું પેન્ડન્ટ પહેર્યું હતું તે અંગે વિવાદ થયો હતો.
અગાઉ મુંબઈમાં સૈફ અલીના નિવાસસ્થાનમાં ઘૂસણખોરી કરનાર એક શખ્સે ચાકુથી હુમલો કરતા અભિનેતાને ઇજા થઈ હતી.જેના લીધે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. થોડા દિવસો પછી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. ૧૨ ઓક્ટોબર, ૨૦૨૪ ના રોજ રાત્રે મુંબઈના બાંદ્રા પૂર્વ વિસ્તારમાં પુત્ર ઝીશાન સિદ્દીકીની ઓફિસની બહાર ત્રણ હુમલાખોરોએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી બાબા સિદ્દીકી (૬૬) ની ગોળી મારીને હત્યા કરી હતી.
તાજેતરમાં અભિનેતા તુષાર કપૂર અને આયુષ્માન ખુરાનાને પણ ધમકીઓ મળી હતી. તે કેસોના સંદર્ભમાં પોલીસે બેંગલુરુના આઈઆઈટી સ્નાતક ૩૦ વર્ષીય વૈભવ મિશ્રાની ધરપકડ કરી હતી.
તપાસમાં જાણવા મળ્યું કે મિશ્રાનો કોઈ ગેંગ સાથે કોઈ સંબંધ નહોતો. તેણે ગેંગના સભ્યો તરીકે ઓળખાણ બતાવવા ધમકીઓ આપવા માટે એઆઈનો ઉપયોગ કર્યો હતો.
અભિનેતાઓને વ્યક્તિગત ધમકીઓ ઉપરાંત સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના જુહુ સ્થિત નિવાસસ્થાન જલસાના નામનો છેલ્લા એક મહિનામાં મુંબઈ અને પુણેના અધિકારીઓને મોકલવામાં આવેલી બોમ્બ બ્લાસ્ટની ધમકીઓમાં વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
હાલમાં બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચનને ગેંગસ્ટરની ધમકી મળી હતી.












