સૈફ અલી ખાનને ધમકી મળતા પોલીસ એક્શનમાં; બાબા સિદ્દિકી કેસના વોન્ટેડ આરોપીની સંડોવણીની આશંકા

બોલિવૂડના કલાકારોને ધમકી મળવાનો સિલસિલો અટકવાનું નામ લઈ રહ્યો નથી. સલમાન ખાન સહિત અનેક ફિલ્મી કલાકારો અગાઉ ધમકીઓનો સામનો કરી ચૂક્યા છે. હવે આ યાદીમાં બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનનું નામ પણ જોડાયું છે. મુંબઈ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, સૈફને ધમકી મળી છે અને આ મામલે બાબા સિદ્દીકી હત્યાકાંડના વોન્ટેડ આરોપી જીશાન અખ્તરનું નામ બહાર આવી રહ્યું છે.
ધમકી પાછળ જીશાન અખ્તર હોવાની આશંકા
દાવો કરવામાં આવી રહ્યો છે કે જીશાન અખ્તરે સૈફ અલી ખાનને ધમકી આપી છે. જો કે પોલીસ હાલ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. તપાસ એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ખરેખર જીશાન અખ્તરે જ ધમકી આપી છે કે પછી અન્ય કોઈ વ્યક્તિ તેના નામનો ઉપયોગ કરીને ડર ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે.
જીશાન અખ્તરનું નામ સામે આવતા તપાસ તેજ
આ મામલે જીશાન અખ્તરનું નામ સામે આવ્યા બાદ મુંબઈ પોલીસની તપાસ વધુ મહત્ત્વપૂર્ણ બની ગઈ છે. બાબા સિદ્દીકી હત્યાકાંડમાં વોન્ટેડ જીશાન અખ્તર અંગે પોલીસ પહેલેથી જ સતર્ક છે. હવે સૈફ અલી ખાનને મળેલી ધમકીમાં તેનું નામ સામે આવતા બોલિવૂડ અને પોલીસ વિભાગમાં હલચલ મચી ગઈ છે. જો કે હજુ સુધી ધમકી આપનાર વ્યક્તિની સત્તાવાર ઓળખની પુષ્ટિ થઈ નથી. પોલીસ તમામ ગતિવિધિની તપાસ કરી રહી છે.
તુષાર કપૂર અને આયુષ્માન ખુરાનાને પણ ધમકી મળી હતી
મુંબઈ પોલીસના એક અધિકારીના જણાવ્યા અનુસાર, અગાઉ બોલિવૂડ અભિનેતા તુષાર કપૂર અને આયુષ્માન ખુરાનાને પણ ધમકીઓ મળી હતી. આ કેસોમાં પોલીસે બેંગલુરુના રહેવાસી 30 વર્ષીય વૈભવ મિશ્રાની ધરપકડ કરી હતી. તે IIT ગ્રેજ્યુએટ હોવાનું કહેવાય છે. તપાસમાં સામે આવ્યું હતું કે વૈભવનો કોઈ ગેંગ સાથે સંબંધ ન હતો, પરંતુ તે કથિત રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને કલાકારોને ધમકીઓ આપતો હતો.
AI કે ગેંગ કનેક્શન, પોલીસ તપાસમાં ખુલશે રહસ્ય
હવે સૈફ અલી ખાનને મળેલી ધમકીના મામલે પણ પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે કે તેની પાછળ ખરેખર જીશાન અખ્તર છે કે અન્ય કોઈ વ્યક્તિ તેના નામનો ઉપયોગ કરી રહી છે. પોલીસ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ધમકી પાછળ કોઈ ગેંગનો હાથ છે કે પછી કોઈ વ્યક્તિ નકલી ઓળખનો ઉપયોગ કરીને બોલિવૂડ કલાકારો અને તપાસ એજન્સીઓને હેરાન કરી રહી છે. હાલ સૈફ અલી ખાનને મળેલી ધમકીના મામલે તપાસ ચાલુ છે. આગામી દિવસોમાં સ્પષ્ટ થશે કે આ સમગ્ર મામલા પાછળ કોણ છે અને ધમકી આપનારનો વાસ્તવિક હેતુ શું છે.








