સૈફ પર જીવલેણ હુમલા કેસમાં મોટો વળાંક: આરોપીએ ગુનો સ્વીકાર્યો, કોર્ટમાં કરી અરજી

બોલિવુડ એક્ટર સૈફ અલી ખાન પર જાન્યુઆરી 2025માં થયેલા છરી વડે હુમલાના કેસમાં આશરે દોઢ વર્ષ પછી મોટું અપડેટ સામે આવ્યું છે. એક્ટરના બાંદ્રા સ્થિત ઘરમાં ઘૂસીને તેમના પર હુમલો કરનાર આરોપી બાંગ્લાદેશી નાગરિક મોહમ્મદ શરીફુલ ઈસ્લામે શુક્રવારે કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો અને કેસમાં પોતાનો ગુનો કબૂલ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
આરોપી હાલ ન્યાયિક કસ્ટડીમાં (જ્યુડિશિયલ કસ્ટડી) છે. તેના વકીલ વિપુલ દુશિંગના જણાવ્યા અનુસાર, ઈસ્લામે કોર્ટમાં એક અરજી દાખલ કરીને ગુનો સ્વીકારવાની ઈચ્છા દર્શાવી છે. આ સાથે જ તેણે અદાલતને નમ્રતા દાખવવાની (સજામાં રાહત આપવાની) અપીલ પણ કરી છે.
કોર્ટે આરોપીની અરજી પર સરકારી વકીલ તરફથી જવાબ માગ્યો છે. આ કેસની આગામી સુનાવણી હવે 11 સપ્ટેમ્બરે થશે.
અગાઉથી જ નક્કી થઈ ચૂક્યા છે આરોપ
આ કેસમાં ચાલુ મહિને જ અતિરિક્ત સત્ર ન્યાયાધીશ (એડિશનલ સેશન્સ જજ) જી.પી. દેશમુખે મોહમ્મદ શરીફુલ ઈસ્લામ સામે આરોપો નક્કી કર્યા હતા. આ સાથે જ કેસના ટ્રાયલનો માર્ગ મોકળો થઈ ગયો હતો.
આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો હેઠળ ઘાતક હથિયારના ઉપયોગ સાથે લૂંટ, ગંભીર ઈજા પહોંચાડવી અને ઘરમાં ગેરકાયદેસર રીતે ઘૂસવાના આરોપો મુકાયા છે. આ ઉપરાંત તેના પર ફોરેનર્સ એક્ટ (વિદેશી નાગરિક અધિનિયમ) અને પાસપોર્ટ (ભારતમાં પ્રવેશ) નિયમોની સંબંધિત કલમો હેઠળ પણ આરોપો નક્કી કરવામાં આવ્યા છે.
16 જાન્યુઆરી 2025ના રોજ ઘરમાં ઘૂસીને કર્યો હતો હુમલો
આ મામલો 16 જાન્યુઆરી 2025નો છે. આરોપ છે કે એક ઘૂસણખોર બાંદ્રા સ્થિત સૈફ અલી ખાનના 12મા માળે આવેલા એપાર્ટમેન્ટમાં પ્રવેશી ગયો હતો. બાથરૂમના રસ્તેથી તે જેહના રૂમમાં ઘૂસ્યો હતો. સૈફ જ્યારે પુત્રને બચાવવા રૂમમાં પહોંચ્યો હતો, ત્યારે મોહમ્મદ શરીફુલ ઈસ્લામે તેમના પર છરી વડે હુમલો કરી દીધો હતો અને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. જોકે, આ દરમિયાન તે સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. આરોપીએ સૈફ પર છરી વડે અનેક વાર કર્યા હતા.
આ હુમલામાં 54 વર્ષીય સૈફ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેમને તુરંત લીલાવતી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેમની ઈમરજન્સી સર્જરી કરવામાં આવી હતી. સૈફની કમરના ભાગેથી છરીનો તૂટેલો ટુકડો બહાર કાઢવામાં આવ્યો હતો. આશરે પાંચ દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ તેને રજા આપવામાં આવી હતી. પોલીસે ઘટનાના બે દિવસ પછી મોહમ્મદ શરીફુલ ઈસ્લામની ધરપકડ કરી હતી. ત્યારથી તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
હવે આરોપીની ગુનો કબૂલવાની અરજી પર નજર
હવે આરોપીએ પોતે જ ગુનો સ્વીકારવાની ઈચ્છા દર્શાવતા કેસમાં નવો વળાંક આવ્યો છે. જોકે, હાલ અદાલતે તેને દોષી જાહેર કર્યો નથી. તેની અરજી પર સરકારી વકીલનો જવાબ આવ્યા બાદ જ આગળની કાનૂની પ્રક્રિયા નક્કી થશે.

