Surat/ પતંગની દોરીએ વધુ એક ઘરનો દિપક બુઝાવ્યો, અલથાણમાં 23 વર્ષીય યુવકનું ગળું કપાતા મોત
સુરત: સુરત શહેરમાં પતંગની દોરી જીવલેણ સાબિત થઈ રહી છે. શહેરના અલથાણ વિસ્તારમાં ન્યુ સીટી

સુરત: સુરત શહેરમાં પતંગની દોરી જીવલેણ સાબિત થઈ રહી છે. શહેરના અલથાણ વિસ્તારમાં ન્યુ સીટી લાઈટ પાસે પતંગની દોરી ગળામાં ફસાઈ જતાં એક 23 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ઉત્તરાયણના પર્વ પર બનેલી આ ઘટનાથી યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
ફરવા નીકળેલા યુવક માટે દોરી કાળ બની
મળતી માહિતી મુજબ, મૂળ સચિન વિસ્તારમાં રહેતો અને રિલાયન્સ માર્કેટમાં નોકરી કરતો 23 વર્ષીય પ્રિન્સ મંગલ બાથમ ગત સાંજે પોતાના મોપેડ પર ફરવા માટે નીકળ્યો હતો. તે અલથાણ વિસ્તારના ન્યુ સીટી લાઈટ પાસે આવેલા લાલ ઘોડા સર્કલ પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક પતંગની દોરી તેના ગળામાં આવી ગઈ હતી.
ઘટનાની વિગત
ગળામાં દોરી ફસાઈ જતાં પ્રિન્સે મોપેડ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને તે રોડ પર પટકાયો હતો. ગળાના ભાગે ઊંડો ઘા પડવાને કારણે તે લોહીલુહાણ થી ગયો હતો. આસપાસના લોકોએ તેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા તેને બચાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો.
પરિવારમાં શોકનું મોજું
માત્ર 23 વર્ષની ઉંમરે પ્રિન્સનું આ રીતે અકાળે મોત થતા પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા છે. તે સચિન વિસ્તારમાં રહીને રિલાયન્સ માર્કેટમાં કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો. પતંગની દોરીએ એક હસતા-રમતા યુવકનો જીવ લેતા સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.








