મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat/ પતંગની દોરીથી બચવા જતાં બ્રિજ પરથી બાઈક સવાર પરિવાર નીચે પટકાયો, દંપતિ અને પુત્રીના મોત

સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા ચંદ્રશેખર આઝાદ ઓવરબ્રિજ પર આજે એક ભ

Surat/ પતંગની દોરીથી બચવા જતાં બ્રિજ પરથી બાઈક સવાર પરિવાર નીચે પટકાયો, દંપતિ અને પુત્રીના મોત

સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા ચંદ્રશેખર આઝાદ ઓવરબ્રિજ પર આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. બાઈક પર પસાર થઈ રહેલા એક જ પરિવારના ત્રણ સભ્યો બ્રિજ પરથી નીચે પટકાતા ચકચાર મચી ગઈ છે. આ કમકમાટીભર્યા અકસ્માતમાં 35 વર્ષીય પિતા અને 10 વર્ષની માસૂમ પુત્રીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે માતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. 

કેવી રીતે સર્જાયો અકસ્માત?

મળતી માહિતી મુજબ, સૈયદપુરા વિસ્તારમાં રહેતા અને જ્વેલર્સના વ્યવસાય સાથે સંકળાયેલા રેહાન શેખ પોતાની પત્ની અને પુત્રી સાથે બાઈક પર કતારગામ દરવાજાથી રાંદેર તરફ આવી રહ્યા હતા. સાંજના સમયે બ્રિજ પરથી પસાર થતી વખતે અચાનક પતંગની દોરી આવી ગઈ હોવાનું અનુમાન છે. દોરી બચાવવા જતાં અથવા ગળામાં ફસાતા બાઈક પરથી સંતુલન ખોરવાયું હતું અને બાઈક જોરદાર રીતે ડિવાઈડર સાથે અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે ત્રણેય સભ્યો બ્રિજની રેલિંગ પરથી નીચે રોડ પર પટકાયા હતા.

આ અકસ્માતમાં રેહાન શેખ (ઉંમર 35 વર્ષ) પિતાનું નીચે પટકાતા ગંભીર ઇજાઓને કારણે મોત થયું છે. અલીશા રેહાન શેખ (ઉંમર 10 વર્ષ) માસૂમ પુત્રીનું પણ આ અકસ્માતે જીવ લીધો છે. રેહાના શેખ (ઉંમર 32 વર્ષ) મૃતક રેહાનના પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. 

પોલીસ કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ રાંદેર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. ઉત્તરાયણના દિવસે જ બનેલી આ ઘટનાથી સૈયદપુરા વિસ્તારમાં અને મૃતકના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

આ સમાચાર શેર કરો