VIDEO: જૂનાગઢ પોસ્ટ ઓફિસ રોડ પર ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ, 32.63 લાખનો મુદ્દામાલ જપ્ત
VIDEO: જૂનાગઢ શહેરના હાર્દસમા ગણાતા પોસ્ટ ઓફિસ રોડ પર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ગેરકાયદેસર રીતે ધમધમતા ફટાકડાના ગોડાઉનને ઝડપી પાડ્યું છે. આ કાર્યવાહીમાં પોલીસે લાખોની કિંમતનો ફટાકડાનો જથ્થો જપ્ત કરી ગોડાઉન માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રહેણાક વિસ્તારમાં 'મોતનો સામાન'
મળતી વિગતો અનુસાર, શહેરના મુખ્ય પોસ્ટ ઓફિસ રોડ પર આવેલ 'જલારામ સીઝનલ સ્ટોર'ના ગોડાઉનમાં કોઈપણ જાતના પરવાના (લાયસન્સ) વગર મસમોટો ફટાકડાનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો. આટલી ગીચતાવાળા વિસ્તારમાં ફટાકડાનો જથ્થો હોવા છતાં ત્યાં ફાયર સેફ્ટીના કોઈ જ સાધનો કે નિયમોનું પાલન કરવામાં આવ્યું નહોતું, જે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે તેમ હતું.
રૂપિયા 32 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
પોલીસના દરોડા દરમિયાન ગોડાઉનમાંથી અલગ-અલગ જાણીતી બ્રાન્ડના ફટાકડા મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂપિયા 32,63,673 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે જ ગોડાઉનના માલિક નયન ભાયાણીની અટકાયત કરવામાં આવી છે.
પોલીસની કડક કાર્યવાહી
ગેરકાયદેસર વેચાણ અને સંગ્રહ કરવા બદલ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. દિવાળીના તહેવારો પહેલા રહેણાંક વિસ્તારોમાં જોખમી રીતે ફટાકડાના સંગ્રહ સામે પોલીસની આ કામગીરીથી ગેરકાયદે વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

