ગિરનાર પરિક્રમામાં યાત્રિકોની બેદરકારી; પ્રતિબંધ છતાં અનેક યાત્રિકોના બેગમાંથી નીકળ્યા પ્લાસ્ટિકના ઢગલા

ગિરનાર પરિક્રમામાં યાત્રિકોની બેદરકારી; પ્રતિબંધ છતાં અનેક યાત્રિકોના બેગમાંથી નીકળ્યા પ્લાસ્ટિકના ઢગલા
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

 ગિરનારની પવિત્ર પરિક્રમા દરમિયાન કેટલાક યાત્રિકોની બેદરકારીભરી પ્રકૃતિ અને વન્યજીવો માટે મોટું સંકટ ઊભું કરી રહી છે. જંગલને પ્રદૂષણમુક્ત રાખવા વનવિભાગ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી હોવા છતાં, પ્રવેશદ્વાર પર જપ્ત થયેલા પ્લાસ્ટિકના વિશાળ ઢગલા જોઈને પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

ઈટવા ઘોડી ખાતે સઘન તપાસ: બેગમાંથી નીકળ્યો પ્લાસ્ટિકનો જથ્થો

પરિક્રમાના પ્રથમ પ્રવેશદ્વાર ગણાતા ઈટવા ઘોડી ખાતે વનવિભાગના કર્મચારીઓ દ્વારા દરેક યાત્રિકના સામાન અને બેગનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તપાસ દરમિયાન યાત્રિકોની બેગમાંથી પાણીની ખાલી બોટલો, ઠંડા પીણાની બોટલો, નાસ્તાના પેકેટ અને પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓનો મોટો જથ્થો મળી આવ્યો હતો. વનતંત્રએ આ તમામ પ્લાસ્ટિક જપ્ત કરી જંગલ વિસ્તારમાં જતું અટકાવ્યું છે, જેના કારણે ચેકપોસ્ટ પાસે જ પ્લાસ્ટિકના મોટા ઢગલા ખડકાયા છે. આમ છતાં, અમુક લોકો તંત્રની નજર ચૂકવીને છુપાવીને પ્લાસ્ટિક જંગલમાં લઈ જતા હોવાની રાવ ઊઠી છે.

જાહેરાત

13 એન્ટી પ્લાસ્ટિક સ્ક્વોડ તૈનાત, સ્થળ પર જ દંડ

જંગલની અંદર પરિક્રમા રૂટ પર પ્લાસ્ટિક ફેલાતું રોકવા માટે વનતંત્ર દ્વારા 13 જેટલી ખાસ એન્ટી પ્લાસ્ટિક સ્ક્વોડ તૈનાત કરવામાં આવી છે. રૂટ પર તપાસ દરમિયાન જે વ્યક્તિ પાસેથી પ્લાસ્ટિક મળી આવે તેમની પાસેથી સ્થળ પર જ દંડ વસૂલવામાં આવી રહ્યો છે. બીજી તરફ, પ્રકૃતિ પ્રેમી સંસ્થાઓ અને વનવિભાગ દ્વારા 'પ્લાસ્ટિક મુક્ત ગિરનાર'ના સંદેશા સાથે યાત્રિકો પાસેથી પ્લાસ્ટિક લઈને તેના બદલે વિનામૂલ્યે કાપડની ઈકો-ફ્રેન્ડલી થેલીઓનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.

વન્યજીવો અને જળસ્ત્રોત માટે ગંભીર ખતરો

ગિરનારનું જંગલ સિંહો, દીપડા, હરણ સહિત અસંખ્ય દુર્લભ વન્યજીવો અને પક્ષીઓનું નિવાસસ્થાન છે. જો આ પ્લાસ્ટિક જંગલમાં જાય તો વન્ય પ્રાણીઓ ખોરાકની શોધમાં તે આરોગી જતાં તેમના મોતનું જોખમ ઊભું થાય છે, તેમજ જમીન અને જળ સ્ત્રોત પણ કાયમી ધોરણે દૂષિત થાય છે.

સંતો, મહંતો, મંત્રીઓ અને સેલિબ્રિટીઓની અપીલ છતાં બેદરકારી

પરિક્રમા શરૂ થયા પૂર્વે જ વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, રાજ્યના મંત્રીઓ, નામાંકિત સેલિબ્રિટીઓ અને ગિરનારના સાધુ-સંતો દ્વારા યાત્રિકોને જંગલમાં પ્લાસ્ટિક ન લઈ જવા માટે ભાવભરી અપીલ કરવામાં આવી હતી. આમ છતાં, જે રીતે ચેકિંગ પોઈન્ટ પરથી ઢગલાબંધ પ્લાસ્ટિક નીકળી રહ્યું છે તે જોતા, ભક્તિની સાથે પ્રકૃતિ પ્રત્યેની આપણી નૈતિક ફરજ અને નાગરિક તરીકેની જવાબદારી અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત