ગિરનારની લીલી પરિક્રમામાં માનવ મહેરામણ, અત્યાર સુધીમાં 5 લાખ શ્રદ્ધાળુઓએ પૂર્ણ કરી પરિક્રમા

જૂનાગઢના ગિરનારની લીલી પરિક્રમામાં ભક્તિ, શ્રદ્ધા અને સેવાભાવનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. આમ, લીલી પરિક્રમાને લીધે જંગલમાં મંગલનો માહોલ છવાયો છે. પરિક્રમાના બીજા દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. માનવ મહેરામણથી ગિરનાર જંગલની કેડીઓ ધમધમી ઊઠી છે. જ્યાં પ્રકૃત્તિના ખોળે અન્નક્ષેત્રોમાં હરિહરની અવિરત હાકલ થઈ રહી છે. અત્યાર સુધીમાં અંદાજે 5 લાખ શ્રદ્ધાળુઓએ પરિક્રમા પૂર્ણ કરી છે. પરિક્રમા દરમિયાન કોઈ અણબનાવની ઘટના જોવા મળી નથી, પરંતુ આસ્થાના મહાપર્વ વચ્ચે હાર્ટ એટેક આવવાના કારણે એક શ્રદ્ધાળુનું મોત નીપજ્યું હોવાનું જણાય છે.
લીલી પરિક્રમામાં ગિરનાર જંગલની કેડીઓ શ્રદ્ધાળુઓથી ધમધમી
લીલી પરિક્રમાના બીજા દિવસે જીણાબાવાની મઢી, સરકડીયા, માળવેલા, નળપાણીની ઘોડી, બોરદેવી પડાવ શ્રદ્ધાળુઓથી ભરચક્ક રહ્યા હતા. પરિક્રમા રૂટ પર હૈયે હૈયું દળાય તેટલી ભીડ જોવા મળી હતી. પ્રકૃતિના ખોળે અન્નક્ષેત્રોમાં ભાવિકોએ ભોજન-પ્રસાદનો લાભ લીધો હતો.
અફરાતફરીની સંભાવનાને પગલે પોલીસની સમયસૂચકતા
પરિક્રમા દરમિયાન કઠીન અને ગીચ વિસ્તાર એવા નળપાણીની ઘોડી ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા અફરાતફરી થવાની સંભાવનાને પગલે પોલીસે સમયસૂચકતા દાખવી લોકોને અટકાવી દીધા હતા. બાદમાં ધીમે-ધીમે આ ભીડને ઘોડી પસાર કરાવવામાં આવી હતી.
બ્રાઝિલથી મહિલા લીલી પરિક્રમામાં આવી
ભજન કિર્તન સાથે અન્નક્ષેત્રોમાં સેવાકિય કાર્ય યથાવત્ જોવા મળી રહ્યો છે, ત્યારે દેશ-વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓમાં અનેરો હરખ છવાયો છે. તેવામાં લીલી પરિક્રમામાં આવેલી બ્રાઝિલની મહિલા શ્રદ્ધાળુએ કહ્યું કે, 'અહીં ગિરનારની પરિક્રમામાં આવીને બહુ જ સારું લાગ્યું...'















