જેતપુરમાં 10 જાન્યુઆરીએ કિસાન મહાપંચાયતનું આયોજન, ગુજરાતભરના ખેડૂતોને આવવા આમંત્રણ

મોરબીના જેતપરમાં ખેડૂત સત્યાગ્રહ છાવણીથી કિસાન મહાપંચાયત યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આગામી 10 જાન્યુઆરીએ જેતપુર ખાતે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે, જેમાં ગુજરાતભરના ખેડૂતોને જોડાવા માટે જેતપર ખેડૂત છાવણી દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
અગાઉ પાટીદાર સંસ્થાના આગેવાન જગદીશ કોટડીયાની મધ્યસ્થીથી ખેડૂતોએ પોતાની વિવિધ માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરી હતી. જોકે, આ માંગણીઓ અંગે હજુ સુધી કોઈ નિર્ણય ન લેવાયો હોવાના પગલે હવે કિસાન મહાપંચાયત યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વિવિધ પ્રશ્નોને લઈને મહાપંચાયત યોજાશે
આ મહાપંચાયતમાં માત્ર વીજલાઈન સંબંધિત મુદ્દાઓ જ નહીં, પરંતુ ખેડૂતોને લગતા તમામ પ્રશ્નો અને મુદ્દાઓને આવરી લેવામાં આવશે. ખેડૂતોના હિત સાથે જોડાયેલા વિવિધ પ્રશ્નોને લઈને આ મહાપંચાયત યોજાશે, જેમાં ગુજરાતભરના ખેડૂતોને મોટી સંખ્યામાં હાજર રહેવા જેતપર ખેડૂત સત્યાગ્રહ છાવણી દ્વારા અપીલ કરવામાં આવી છે.







