Junagadh/ ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે 'GUJCTOC'નો ગુનો દાખલ
જૂનાગઢ શહેરમાં ગુનાખોરી આચરતી ટોળકીઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. શહેરના વોર્ડ નંબર

જૂનાગઢ શહેરમાં ગુનાખોરી આચરતી ટોળકીઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. શહેરના વોર્ડ નંબર 3ના ભાજપના કોર્પોરેટર અને તેના સાગરીતો દ્વારા છેલ્લા દસ વર્ષથી ફેલાવવામાં આવેલા ભયના સામ્રાજ્યને ખતમ કરવા માટે પોલીસે મજબૂત કાનૂની પગલું ભર્યું છે. કોર્પોરેટર સહિત ચાર શખ્સો વિરુદ્ધ સંગઠિત ગુનાખોરી નિયંત્રણ અધિનિયમ એટલે કે 'ગુજસીટોક' (GUJCTOC) હેઠળ ગુનો નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
કોણ છે આ ટોળકી?
પોલીસે જે ચાર શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે તેમાં મુખ્ય સૂત્રધાર ભાજપના કોર્પોરેટર અને તેના પરિવારના સભ્યો સામેલ છે
-
અબ્બાસ કુરેશી (વોર્ડ નં. 3 ના કોર્પોરેટર, ભાજપ)
-
અસલમ કુરેશી (કોર્પોરેટરનો ભાઈ)
-
કરીમ સીડા (સાગરીત)
-
શાહબાજ કુરેશી (સાગરીત)
10 વર્ષમાં 28 થી વધુ ગુનાઓ
તપાસમાં સામે આવ્યું છે કે આ સંગઠિત ટોળકી છેલ્લા એક દાયકાથી જૂનાગઢમાં સક્રિય હતી. આ ટોળકી દ્વારા આચરવામાં આવેલા ગુનાઓની યાદી લાંબી છે. જેમાં ખૂનની કોશિશ અને જાનથી મારી નાખવાની ધમકી, ખંડણી ઉઘરાવવી અને મિલકતો પચાવી પાડવી, હથિયાર ધારા (આર્મ્સ એક્ટ) ના ભંગના ગુનાઓ અને સાયબર ફ્રોડ દ્વારા લોકો સાથે છેતરપિંડી.
આ ટોળકીએ પોતાની સંગઠિત તાકાતનો ઉપયોગ કરી લોકોમાં ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું. અત્યાર સુધીમાં આ ગેંગ વિરુદ્ધ કુલ 28 થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
પોલીસની કડક કાર્યવાહી
જૂનાગઢ એ ડિવિઝનના પીઆઈવી. જે. સાવજ પોતે આ મામલે ફરિયાદી બન્યા છે. આ હાઈ-પ્રોફાઈલ કેસની તપાસ જૂનાગઢ ગ્રામ્યના ડીવાયએસપી રવીરાજસિંહ પરમારને સોંપવામાં આવી છે. સત્તાધારી પક્ષના કોર્પોરેટર પર જ જ્યારે આટલી કડક કલમ હેઠળ ગુનો નોંધાયો છે, ત્યારે રાજકીય આલમમાં પણ ખળભળાટ મચી ગયો છે.








