VIDEO : અમદાવાદમાં ભોંયરામાં ચાલી રહી છે જીવકોરબા શાળા, બહાર નીકળવાનો એક જ રસ્તો, શું મોટી ઘટનાની રાહ જોઈ રહ્યું છે પ્રશાસન?
AHMEDABAD NEWS : અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી જીવકોરબા લલ્લુભાઈ હાઈસ્કૂલ વિવાદમાં સપડાઈ છે. અહ

AHMEDABAD NEWS : અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી જીવકોરબા લલ્લુભાઈ હાઈસ્કૂલ વિવાદમાં સપડાઈ છે. અહીં એક જ કેમ્પસમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ ગ્રાન્ટેડ શાળા ચાલે છે. એ સિવાય પ્રિ-પ્રાઇમરી અને પ્રાઇમરી એમ અન્ય બે ખાનગી શાળા ચાલે છે.
જીવકોરબા શાળાના બિલ્ડીંગના ભોંયરામાં શાળા સંચાલકો તમામ નિયમો નેવે મૂકીને 3થી 5 વર્ષના બાળકોને ભણાવી રહ્યા છે. આમાં સૌથી મોટી અને ગંભીર બાબત એ છે કે આ ભોંયરામાં ફાયર સેફટીની કોઈ વ્યવસ્થા નથી અને બહાર નીકળવા માટેનો એક જ રસ્તો છે. આવી સ્થિતિમાં ભોંયરામાં આગની કે અચાનક પાણી ભરાવાની ઘટના ઘટે અને જાનહાની થાય તો કોની જવાબદારી રહેશે?
આ અંગે ભોંયરામાં ભણાવવામાં આવી રહેલા બાળકોના વાલીઓએ શાળા સંચાલકો અને ટ્રસ્ટીઓએ રજૂઆત કરી હતી. એવા આક્ષેપ છે એ ટ્રસ્ટી હિમાંશુ પરીખ પોતાના ધાર્યું જ કરે છે અને કોઈનું સાંભળતો નથી. વાલીઓએ એવા પણ આક્ષેપ કર્યા છે કે આ અંગે જિલ્લા શિક્ષણાધિકારીને પણ અનેક વખત રજૂઆતો કરી છે.
તો આ અંગે જિલ્લા શિક્ષણાધિકારીનો સંપર્ક કરવામાં આવતા તેમણે કહ્યું કે ભોંયરામાં વર્ગો ચલાવવા અંગે શાળા સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી છે અને જવાબ માંગવામાં આવ્યો છે. ભોંયરામાં વર્ગો ચલાવવાની કોઈ મંજૂરી આપવામાં આવી નથી. જિલ્લા શિક્ષણાધિકારીએ આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા, શિક્ષકોની સંખ્યા તેમજ સ્કૂલની મંજૂરીના તમામ આધાર પુરાવા રજૂ કરવાની સુચના આપી છે.
પણ સૌથી મોટો સવાલ એ છે કે આ ઘટના ધ્યાનમાં આવતા જ તાત્કાલિક પગલાં લઈને ભોંયરામાં વર્ગો બંધ કરાવવામાં કેમ નથી આવ્યા? શા માટે જિલ્લા શિક્ષણાધિકારીએ આ ભોયરાને સીલ નથી કર્યું? બહાર નીકળવાની એક જ જગ્યા છે એવા આ ભોંયરામાં 500 જેટલા બાળકોને ભણાવવામાં આવી રહ્યા છે. કોઈ અઘટિત ઘટના બનશે તો આ ભૂલકાંઓનું શું થશે?
જિલ્લા શિક્ષણાધિકારીએ આ નોટિસ ફટકારી જવાબ માંગવા કરતા કડક કાર્યવાહી કરવાની જરૂર છે. અને નોટિસના જવાબની રાહ જોયા વગર આ ભોંયરાને સીલ કરવું જોઈએ, જેથી કરીને શાળા સંચાલકો આ ગોરખધંધા બંધ કરે.








