જંબુસર બોટ દુર્ઘટના: "ઘરનો મોભ ગુમાવ્યો...., પરિવારજનોએ GSTV સમક્ષ ઠાલવી વેદના
જંબુસર તાલુકાના આસરસા ગામે દરિયામાં ONGCના કોન્ટ્રાક્ટ હેઠળ રિસર્ચનું કામ
જંબુસર તાલુકાના આસરસા ગામે દરિયામાં ONGCના કોન્ટ્રાક્ટ હેઠળ રિસર્ચનું કામ કરી રહેલા મજૂરોને લઈ જતી બોટ પલટી જવાની ગમખ્વાર ઘટના સામે આવી હતી. આ દુર્ઘટનામાં આસરસા ગામના બોટ માલિક રોહિત ગણપતભાઈ મકવાણાનું કરુણ મોત નિપજ્યું છે, જ્યારે બોટ ચાલક નરેશભાઈ રાઠોડ હજુ પણ લાપતા છે. આ બનાવમાં એશિયન એનર્જી સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ (Asian Energy Service Pvt. Ltd.) નામની કંપનીના કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સ્પષ્ટપણે દેખાઈ રહી છે.
ક્ષમતાથી વધુ ભાર અને લાઈફ જેકેટનો અભાવ
પ્રાપ્ત માહિતી અનુસાર, એશિયન એનર્જી સર્વિસ આસરસાથી સામેના કાંઠે ગંધાર-મુલેર તરફ રિસર્ચના કામે 50 થી વધુ મજૂરોની અવરજવર કરાવતી હતી. દુર્ઘટનાના દિવસે પણ બોટની કેપેસિટી કરતાં પણ વધુ મજૂરોને તેમાં ભરવામાં આવ્યા હતા. સૌથી ચિંતાજનક બાબત એ છે કે, આ કામદારોને કોઈપણ જાતના લાઈફ જેકેટ કે અન્ય સલામતીના સાધનો વિના દરિયામાં મોકલવામાં આવ્યા હતા. બપોરે ત્રણ વાગ્યાના અરસામાં ભરતીના પાણી વધવાના કારણે વધુ ભાર ધરાવતી આ બોટ અચાનક પલટી ખાઈ ગઈ હતી.
વિખરાયેલા પરિવારનો આક્રંદ: "ઘરનો મોભ ગુમાવ્યો"
બોટ પલટી જતાં બોટ માલિક રોહિત મકવાણાનું મોત થયું હતું. તેમના મૃતદેહને ગામમાં લાવવામાં આવતા આખાય ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. રોહિતભાઈના નાનાં નાનાં બે ભૂલકાંઓએ અને પરિવારજનોએ GSTV ન્યૂઝના કેમેરા સામે આક્રંદ કરી પોતાની વેદના ઠાલવી હતી. પરિવારે જણાવ્યું કે, ઘરનો મોભ ગુમાવતા હવે આ બે બાળકોની છત્રછાયા છીનવાઈ ગઈ છે.
"સલામતીના સાધનો વિના કામદારોને મોતના મુખમાં મોકલનાર જવાબદાર સામે શું કાર્યવાહી થશે?" - મૃતકના પરિવારજનો.
અન્ય એક યુવાન લાપતા, તાત્કાલિક શોધખોળની માંગ
આ દુર્ઘટનામાં બોટ ચાલક નરેશભાઈ રાઠોડ હજુ પણ લાપતા છે અને બે દિવસ વીતી ગયા છતાં તેમનો કોઈ પત્તો મળ્યો નથી. લાપતા યુવાનના પરિવારે પણ તંત્ર સમક્ષ વહેલી તકે નરેશભાઈને શોધી કાઢીને તેમને સોંપવામાં આવે તેવી આજીજી સાથે માંગણી કરી છે.
સહાયની બાહેધરી અને અધિકારીઓની દોડધામ
આ ઘટનાના પગલે ધારાસભ્ય દેવકિશોર સ્વામી, મામલતદાર એન.એસ. વસાવા સહિતના અધિકારીઓ ત્વરિત સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોની વિગતો મેળવી હતી. એશિયન એનર્જી સર્વિસ પ્રાઇવેટ લિમિટેડના અધિકારીઓએ મૃતકના પરિવારજનોને યોગ્ય સહાય આપવાની બાહેધરી આપ્યા બાદ રોહિત મકવાણાની અંતિમવિધિની કાર્યવાહી કરવામાં આવી હતી.
ઈજાગ્રસ્તો પૈકી ગોપાલદાસ ગૌરાંગદાસ અને પુનિતઘોષ સશંકરઘોષને વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા છે. જંબુસર પોલીસે સમગ્ર ઘટના સંદર્ભે તપાસ હાથ ધરી છે, પરંતુ બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી ક્યારે થશે તે જોવાનું રહે છે.







